Gujarat

PSI સ્પર્ધાત્મક પરીક્ષાને લઈ કલેકટરનો હુકમ

ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા આગામી રવિવારે યોજાનારી બિન હથિયારી પોલીસ સબ ઈન્સ્પેક્ટર (PSI) ની ખાસ સ્પર્ધાત્મક પરીક્ષા (મોડ-2, પેપર-2) ને લઈને ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્ર સંપૂર્ણપણે એક્શન મોડમાં આવી ગયું છે.

આ મહત્વપૂર્ણ લેખિત પરીક્ષા અત્યંત શાંતિપૂર્ણ, નિષ્પક્ષ અને કોઈપણ પ્રકારની ગેરરીતિ વિના ભયમુક્ત વાતાવરણમાં સંપન્ન થાય તે માટે ગાંધીનગરના જિલ્લા મેજિસ્ટ્રેટ રવિન્દ્ર ખતાલે દ્વારા મોટો નિર્ણય લેવાયો છે. તંત્ર દ્વારા સમગ્ર સેક્ટર-15 વિસ્તારમાં સિક્યોરિટી એલર્ટ જાહેર કરી, તમામ પરીક્ષા કેન્દ્રોની આસપાસના 100 મીટરના વિસ્તારને પ્રતિબંધિત વિસ્તાર તરીકે ઘોષિત કરવામાં આવ્યો છે.

6 કેન્દ્રો પર 1920 ઉમેદવારો આપશે પરીક્ષા આગામી રવિવારે યોજાનારી આ ખાસ ભરતી પરીક્ષા માટે ગાંધીનગરના શૈક્ષણિક હબ ગણાતા સેક્ટર-15 ખાતે આવેલા LDRP કેમ્પસ, VPMP પોલિટેકનિક અને કડી સર્વ વિશ્વવિદ્યાલય ખાતે કુલ 6 પરીક્ષા કેન્દ્રો કાર્યરત કરવામાં આવ્યા છે.

આ કેન્દ્રોના 64 બ્લોક પર અંદાજે 1920 જેટલા પરીક્ષાર્થી ઉમેદવારો પોતાની પરીક્ષા આપવાના છે. પરીક્ષાની પવિત્રતા જળવાઈ રહે અને પેપર લીક કે અન્ય કોઈ ગેરરીતિની આશંકાઓ બિલકુલ ન રહે તે માટે જિલ્લા મેજિસ્ટ્રેટે ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS)ની કલમ-163 અન્વયે વિશેષ સત્તાનો ઉપયોગ કરીને આકરા પ્રતિબંધો લાદ્યા છે:

દુકાનો-ઝેરોક્ષ સેન્ટરો સજ્જડ બંધ પરીક્ષાના સમય દરમિયાન નિર્ધારિત કેન્દ્રોની આસપાસ 100 મીટરની ત્રિજ્યામાં સક્ષમ અધિકારીની મંજૂરી વિના ચાર કે તેથી વધુ વ્યક્તિઓએ એકત્ર થવા પર તેમજ કોઈ પણ પ્રકારની સભાઓ ભરવા પર સંપૂર્ણ પ્રતિબંધ છે. કોઈપણ પ્રકારની નકલ કે કાગળોની આપ-લે રોકવા માટે કેન્દ્રોની આસપાસના તમામ ઝેરોક્ષ સેન્ટરો સજ્જડ બંધ રાખવા આદેશ અપાયો છે.

આ ઉપરાંત અવાંછિત ભીડભાડ ટાળવા પાન-બીડીના ગલ્લા તેમજ ચા-પાણીની હોટલો પણ બંધ રાખવી પડશે. પરીક્ષાર્થીઓ શાંતિપૂર્વક પેપર લખી શકે તે માટે કેન્દ્રની આસપાસ મોટા અવાજે લાઉડ સ્પીકર વગાડવા પર મનાઈ ફરમાવાઈ છે.