Gujarat

પાટણમાં 131 આદિવાસી દીકરીઓના સમૂહલગ્ન

પાટણમાં આદિવાસી ભીલ ગુજરાત સંગઠન અને પાટણ ભીલ સમાજના સહયોગથી 131 આદિવાસી યુગલોના સમૂહલગ્ન યોજાયા હતા. આ પ્રથમવાર આયોજિત સમૂહલગ્નોત્સવ પ્રકૃતિ, પર્યાવરણ અને આદિવાસી સંસ્કૃતિના સમન્વય સાથે અનોખી થીમ પર આધારિત હતો. આ આયોજનનો મુખ્ય ઉદ્દેશ આર્થિક રીતે નબળા પરિવારોને સામાજિક મદદ પૂરી પાડવાનો અને સમાજમાં એકતા લાવવાનો હતો.

આદિવાસી ભીલ ગુજરાત સંગઠનના પ્રમુખ વિપુલ રાણાએ જણાવ્યું હતું કે, સમૂહલગ્નમાં જોડાયેલા તમામ યુગલોને વિનામૂલ્યે લગ્ન કરાવી આપવામાં આવ્યા હતા, જેમાં માત્ર એક રૂપિયો ટોકન ફી તરીકે લેવામાં આવ્યો હતો. આ લગ્નોત્સવ પાટણના સૂર્યનગર ભીલવાસ, સુજનીપુર સબજેલ રોડ પર યોજાયો હતો.

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે ભોજન, સ્ટેજ, પાર્કિંગ, ચોરી અને સાંસ્કૃતિક કાર્યક્રમો સહિત કુલ 18 જુદી જુદી સમિતિઓની રચના કરવામાં આવી હતી. આ સમૂહલગ્ન ‘એક પેડ આદિવાસી કે નામ’ નામની પ્રકૃતિલક્ષી થીમ પર આધારિત હતા. લગ્નવિધિ આદિવાસી સમાજના બ્રાહ્મણ ‘પૂજારા’ દ્વારા આદિવાસી સંસ્કૃતિ અને પ્રાકૃતિક પરંપરા અનુસાર સંપન્ન કરવામાં આવી હતી. આદિવાસી સંસ્કૃતિને જીવંત રાખવા માટે ઝારખંડ, મહારાષ્ટ્ર અને રાજસ્થાનથી ખાસ ટ્રાઇબલ નૃત્ય અને વાજિંત્રોની ટીમોએ પણ પાટણમાં આવીને તેમની સાંસ્કૃતિક ઝલક રજૂ કરી હતી.

આ લગ્નોત્સવમાં કુલ 131 યુગલોએ ભાગ લીધો હતો. જેમાં દક્ષિણ ગુજરાતના 57, બનાસકાંઠાના 36 અને પાટણના 20 યુગલોનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, રાજસ્થાનના માઉન્ટ આબુના 5 યુગલો તેમજ મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના અંતરિયાળ વિસ્તારોમાંથી પણ આદિવાસી પરિવારો જોડાયા હતા.