જામનગરમાં ઓનલાઈન મંગાવેલા વેજ પાસ્તામાંથી નોનવેજના ટુકડા મળ્યાની ફરિયાદ નોંધાઈ છે. આ મામલે જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખાએ તપાસ હાથ ધરી છે.
ન્યૂ જામનગર વિસ્તારના એક ગ્રાહકે ઝોમેટો દ્વારા ખંભાળિયા હાઈવે પરની એક હોટલમાંથી વેજ પાસ્તાનો ઓર્ડર આપ્યો હતો. જમતી વખતે પાસ્તામાંથી નોનવેજ જેવા ટુકડા મળ્યાનો ગ્રાહકે આક્ષેપ કર્યો હતો, ત્યારબાદ તેમણે સંબંધિત તંત્રને જાણ કરી હતી.

ફરિયાદની ગંભીરતાને ધ્યાનમાં લઈ, જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખાના અધિકારીઓ તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા હતા. પ્રાથમિક તપાસ દરમિયાન, શંકાસ્પદ ખાદ્ય પદાર્થના નમૂનાઓ લેવામાં આવ્યા છે.
આ નમૂનાઓને વધુ તપાસ માટે લેબોરેટરીમાં મોકલવાની કાર્યવાહી ચાલી રહી છે. ફૂડ શાખા દ્વારા હોટલના ફૂડ હેન્ડલિંગ, રસોડાની સ્વચ્છતા, અને વેજ-નોનવેજ ખાદ્ય પદાર્થોની અલગ વ્યવસ્થા સહિતના મુદ્દાઓની ઝીણવટભરી તપાસ કરવામાં આવી રહી છે.
તપાસનો અહેવાલ મળ્યા બાદ નિયમ મુજબની કાર્યવાહી કરવામાં આવશે તેમ સૂત્રોએ જણાવ્યું છે. જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખા ફૂડ સેફ્ટી સંબંધિત ફરિયાદોને લઈ સમયાંતરે વિવિધ ખાદ્ય એકમોમાં ચેકિંગ કરતી રહે છે અને જરૂરી કાર્યવાહી પણ કરે છે.

