જામનગર શહેરના શરૂ સેક્શન રોડ પર આવેલી ફીયોનીકા સોસાયટીમાં વૃદ્ધની હત્યાના કેસમાં ઝડપાયેલા આરોપીને કોર્ટે બે દિવસના પોલીસ રિમાન્ડ પર સોંપવાનો આદેશ કર્યો છે. આ કેસમાં પોલીસ દ્વારા સઘન તપાસ હાથ ધરવામાં આવી રહી છે.
ગત 24 જૂનની રાત્રે ફીયોનીકા સોસાયટીમાં રહેતા 80 વર્ષીય દેવાયતભાઈ રામશીભાઈ વરોતરીયાની છરીના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી હતી. આ ઘટના અંગે મૃતકના પૌત્ર રાજુભાઈએ વિસ્તારમાં જ રહેતા સાગર મારખીભાઈ વસરા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આરોપી સાગર વસરા અને મૃતક દેવાયતભાઈ વચ્ચે અગાઉ મજાક-મસ્તીના મુદ્દે બોલાચાલી થઈ હતી. આ મામલો શાંત પડ્યા બાદ પણ જૂના મનદુઃખને કારણે આરોપી છરી લઈને ફરિયાદીના ઘરે પહોંચ્યો હતો. તેણે ફળિયામાં ખાટલા પર સૂતેલા દેવાયતભાઈ પર જીવલેણ હુમલો કરી તેમને મોતને ઘાટ ઉતાર્યા હતા.
હત્યા બાદ આરોપી સારવાર માટે હોસ્પિટલમાં દાખલ થયો હતો. હોસ્પિટલમાંથી રજા મળતા જ પોલીસે તેને કસ્ટડીમાં લીધો હતો અને હત્યામાં ઉપયોગમાં લેવાયેલી છરી પણ કબજે કરી હતી.
આરોપીને કોર્ટમાં રજૂ કરાતા, કોર્ટે 27 જૂન સુધીના બે દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે. રિમાન્ડ દરમિયાન હત્યાનું ચોક્કસ કારણ, આરોપીનો ઈરાદો, બનાવની પૂર્વ તૈયારી અને અન્ય મહત્વપૂર્ણ પુરાવાઓ એકત્ર કરવા માટે પોલીસ દ્વારા ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવશે.

