જામનગરની સરકારી ડેન્ટલ હોસ્પિટલની રોગી કલ્યાણ સમિતિ (RKS)ના રૂ.1.35 કરોડના ઉચાપત કૌભાંડનો પર્દાફાશ થયો છે. ત્યારે જામનગરની સરકારી જીજી હોસ્પિટલ અને ડેન્ટલ હોસ્પિટલની રોગી કલ્યાણ સમિતિ (RKS) ના વહીવટ અને આર્થિક સત્તાઓ અંગે એક મોટો વિરોધાભાસ સામે આવ્યો છે. સરકારી નિયમો મુજબ હોસ્પિટલોના વિકાસ અને દર્દીઓની સુવિધા માટે કાર્યરત આ સમિતિઓમાં પારદર્શિતા જાળવવી અનિવાર્ય છે, પરંતુ જામનગરની આ બંને સંસ્થાઓમાં અલગ-અલગ નીતિ-નિયમો ચાલતા હોવાનું ચર્ચામાં આવ્યું છે.
ડેન્ટલ હોસ્પિટલની રોગી કલ્યાણ સમિતિનો રૂ.1.35 કરોડના ઉચાપતનો પર્દાફાશ કર્યા બાદ બીજા જ દિવસે કોન્ટ્રાક્ટકર્મી શોભિત ગર્ગ સામે ઉચાપતની ફરિયાદ નોંધાતા ચકચાર મચી જવા પામી છે, આ કૌભાંડનો ગાંધીનગર સુધી પડઘા પડ્યા છે.
ત્યારે જી.જી.હોસ્પિટલની રોગી કલ્યાણ સમિતિ પાસે રૂ.2 લાખ સુધીના ખર્ચની મર્યાદિત સત્તા છે. જો હોસ્પિટલના વિકાસ કામો કે અન્ય કોઈ તાકીદની જરૂરિયાત માટે રૂ.2 લાખ કરતાં વધુ રકમની આર્થિક સત્તા જોઈતી હોય અથવા તેટલો ખર્ચ કરવો હોય, તો સ્થાનિક સ્તરે નિર્ણય લઈ શકાતો નથી. આ માટે ઉચ્ચ કક્ષાએ આરોગ્ય સચિવ અથવા કમિશનર સાથે ખાસ બેઠક (મીટિંગ) યોજવી પડે છે અને તેમની સત્તાવાર મંજૂરી મેળવવી કાયદાકીય રીતે જરૂરી બને છે.

