વિરમગામ તાલુકાના ચણોઠીયા અને કરીયાલા ગામમાં નવનિર્મિત આંગણવાડી ભવનોનું લોકાર્પણ ધારાસભ્ય હાર્દિક પટેલના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગ્રામજનો સાથે સંવાદ યોજી ગામના સર્વાંગી વિકાસ અને પ્રાથમિક સુવિધાઓના વિસ્તરણ અંગે ચર્ચા કરાઈ હતી.
ધારાસભ્ય હાર્દિક પટેલે જણાવ્યું હતું કે ગામનો વિકાસ માત્ર રોડ-રસ્તા કે અન્ય માળખાકીય સુવિધાઓ પૂરતો સીમિત નથી. આંગણવાડી, શાળા અને બાળકોને મળતી ગુણવત્તાસભર પ્રાથમિક સેવાઓ પણ એટલી જ મહત્વપૂર્ણ છે. તેમણે ઉમેર્યું કે બાળકોના સારા પોષણ, ગુણવત્તાયુક્ત શિક્ષણ અને ઉત્તમ સંસ્કારોનો પાયો આંગણવાડીથી જ શરૂ થાય છે.

નવનિર્મિત આંગણવાડી ભવનોથી સ્થાનિક બાળકોને સુરક્ષિત, સ્વચ્છ અને સુવિધાસભર વાતાવરણમાં શિક્ષણ અને પોષણની સેવાઓ ઉપલબ્ધ બનશે. આ ઉપરાંત, મહિલાઓ અને વાલીઓને પણ વિવિધ સરકારી યોજનાઓનો વધુ અસરકારક લાભ મળશે.
કાર્યક્રમ દરમિયાન ગ્રામજનોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. ઉપસ્થિત આગેવાનો અને ગ્રામજનોએ સરકારના ગ્રામ વિકાસ અને બાળ કલ્યાણને પ્રાધાન્ય આપતા પ્રયાસોની પ્રશંસા કરી હતી.

