યુવાનીના પ્રેમમાં લીધેલો નિર્ણય વડોદરાની એક યુવતી માટે જીવલેણ સાબિત થયો છે. અમદાવાદમાં ઇન્ટર્નશિપ દરમિયાન થયેલી મિત્રતા પ્રેમમાં બદલાઈ હતી અને ત્યારબાદ બંનેએ પરિવારની મરજી વિરુદ્ધ પ્રેમલગ્ન કર્યા હતા. પરંતુ લગ્નના માત્ર એક મહિનામાં જ યુવતીએ ફ્લેટ પરથી કૂદીને આપઘાત કરી લીધો હોવાની ઘટના સામે આવી છે.
મૃતકના પરિવારનો આક્ષેપ છે કે, પતિ અને તેના પરિવાર તરફથી સતત શારીરિક તેમજ માનસિક ત્રાસ આપવામાં આવતો હતો. જેથી તેને લઈને એલિસબ્રિજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
બંને વચ્ચે મિત્રતા વધતા પ્રેમસંબંધ બંધાયો ને લવમેરેજ કર્યા વડોદરાની એક યુવતી BBAનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ ઇન્ટર્નશિપ માટે અમદાવાદ આવી હતી અને અમદાવાદમાં પીજીમાં રહેતી હતી. જો કે તે દરમિયાન તેનો પરિચય અમદાવાદના સૂરજ પરમાર સાથે થયો હતો. તેમજ બંને વચ્ચે મિત્રતા વધતા પ્રેમસંબંધ બંધાયો હતો.
ઇન્ટર્નશિપ પૂર્ણ થયા બાદ યુવતી વડોદરા પરત જતી રહી હતી. જોકે થોડા સમય બાદ યુવતી અચાનક એક દિવસ તેના ઘરેથી નીકળી ગઈ હતી. જેથી અનેક જગ્યાએ શોધખોળ કર્યા બાદ પરિવારે કંટાળી આખરે સ્થાનિક પોલીસ સ્ટેશનમાં ગુમ થયાની ફરિયાદ નોંધાવી હતી.

