Gujarat

હવે સપ્તાહમાં બે દિવસ મુંબઈ–કેશોદ–પોરબંદર–અમદાવાદ રૂટ પર ફ્લાઇટ શરૂ કરવામાં આવી

પોરબંદર અને મુંબઈ વચ્ચે વર્ષોથી વિમાની સેવા કાર્યરત હતી. બાદમાં અમદાવાદ અને દિલ્હી સુધીની ફ્લાઇટ પણ શરૂ કરવામાં આવી હતી, પરંતુ વિવિધ કારણોસર ત્રણેય રૂટની સેવા બંધ થઈ ગઈ હતી. લાંબા વિરામ બાદ ફરી પોરબંદર–મુંબઈ વિમાની સેવા શરૂ થઈ હતી, પરંતુ ગત ૧૮ એપ્રિલથી તે ફરી બંધ થતાં મુસાફરોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો હતો.

અંતે આજથી ફરી સપ્તાહમાં બે દિવસ મુંબઈ–કેશોદ–પોરબંદર–અમદાવાદ રૂટ પર ફ્લાઇટ શરૂ કરવામાં આવી છે. પ્રથમ ફ્લાઇટ પોરબંદર એરપોર્ટ પર પહોંચતા કેબિનેટ અર્જુન મોઢવાડીયાની ઉપસ્થિતિમાં મુસાફરોનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે મંત્રી અર્જુન મોઢવાડિયાએ વિમાની સેવા ફરી શરૂ કરવા બદલ કેન્દ્રના ઉડ્ડયન મંત્રાલય તેમજ પોરબંદરના સાંસદ અને કેન્દ્રીય મંત્રી ડો. મનસુખ માંડવિયાનો આભાર વ્યક્ત કર્યો હતો. સાથે જ તેમણે પોરબંદરવાસીઓને આ સેવાનો વધુમાં વધુ લાભ લેવા અપીલ કરી હતી.

વિમાની સેવા ફરી શરૂ થતાં પોરબંદર ડિસ્ટ્રિક્ટ ચેમ્બરના આગેવાનોએ ખુશી વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, આ સેવા નિયમિત અને કાયમી બને તે સમયની જરૂરિયાત છે. તેમના જણાવ્યા મુજબ આ ફ્લાઇટથી ફિશરી ઉદ્યોગ સાથે જાેડાયેલા વેપારીઓ, એનઆરઆઈ તેમજ અન્ય વ્યવસાયિકોને ઝડપી અવરજવરનો મોટો લાભ મળશે.

પ્રથમ ફ્લાઇટમાં મુસાફરી કરીને આવેલા મુસાફરોએ પણ ખુશી વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, પોરબંદર–મુંબઈ વચ્ચે કાયમી અને નિયમિત વિમાની સેવા ચાલુ રહેવી જાેઈએ. પ્રથમ જ દિવસે ફ્લાઇટ સંપૂર્ણ ભરાઈને આવતાં આ રૂટની માંગ સ્પષ્ટ થઈ છે. મુસાફરોના જણાવ્યા મુજબ માત્ર પોરબંદર જ નહીં, પરંતુ દ્રારકા અને સોમનાથ સહિત આસપાસના જિલ્લાઓના લોકોને પણ આ સેવાનો નોંધપાત્ર લાભ મળશે.