તા. ૨૩મીએ જામનગર મહાનગરપાલિકાના એસ્ટેટ વિભાગના કર્મચારીઓ પર ફરજ દરમિયાન જીવલેણ હુમલો થયો હતો. અંબર ચોકડી પાસે દબાણ હટાવતી વખતે કેટલાક શખ્સોએ મરચાં સ્પ્રે છાંટી પથ્થરમારો કર્યો.
જામનગર મહાનગરપાલિકાના એસ્ટેટ (દબાણ હટાવ) વિભાગના કર્મચારીઓ પર ગત.૨૩મી તારીખે ફરજ દરમિયાન જીવલેણ હુમલો કરાયાની ગંભીર ઘટના સામે આવી છે. અંબર ચોકડી નજીક નવા બ્રિજ નીચે દબાણ દૂર કરવાની કામગીરી દરમિયાન કેટલાક શખ્સોએ મહાનગરપાલિકાના કર્મચારીઓ પર મરચાં સ્પ્રે છાંટી પથ્થરમારો કર્યો હતો, જેમાં હુમલામાં એસ્ટેટ શાખાના કર્મચારી ચેતનસિંહ જાડેજાને માથાના પાછળના ભાગે ગંભીર ઇજા પહોંચતા તેમને આઠ ટાંકા લેવા પડ્યા હતા. મહિપત દાઉદીયાને માથામાં ગંભીર ઇજા પહોંચતા નવ ટાંકા લેવામાં આવ્યા હતા. ઉપરાંત ફેજલ ખફી, વિજયસિંહ ઝાલા અને વિજય રાઠોડને પણ શરીરના વિવિધ ભાગોમાં ઇજાઓ પહોંચી હતી. તમામ ઘાયલોને સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
સમગ્ર ઘટનાને લઈને પોલીસે હત્યાના પ્રયાસ સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પોલીસે ૮ આરોપીઓ સામે ગુનો નોંધ્યો હતો.
જે પૈકી અંબર ચોકડી પાસે રહેતા કનૈયાલાલ પરમાર, તેનો પુત્ર ઉદલ કનૈયાલાલ પરમાર, મલખાન ઉર્ફે ધુંધો અને એક મહિલા આરોપીની અટકાયત કરી લીધી હતી.

