Gujarat

અમદાવાદ પ્લાઝમા કૌભાંડ મામલે અમદાવાદ ગ્રામ્ય પોલીસનો મોટો ખુલાસો, મહારાષ્ટ્રની ૮ બ્લડ બેંક સાથે નીકળ્યું કનેક્શન

અમદાવાદ ગ્રામ્ય પોલીસે દેશના સૌપ્રથમ પ્લાઝમા કૌભાંડનો પર્દાફાશ કરી મેડિકલ ક્ષેત્રે ખળભળાટ મચાવી દીધો છે. અમદાવાદ ગ્રામ્ય પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ (SOG) દ્વારા ઝડપાયેલા બ્લડ પ્લાઝમા કૌભાંડમાં મોટો ખુલાસો થયો છે. SOG જણાવ્યા અનુસાર, મુખ્ય આરોપી દિનેશ ચૌધરી પાસેથી જપ્ત કરવામાં આવેલા બ્લડ યુનિટ્સ સાથે છેડછાડ કરવામાં આવી હોવાની પુષ્ટિ થઈ છે. બી.જે. મેડિકલ કોલેજના પેથોલોજી વિભાગના રિપોર્ટમાં સ્પષ્ટ થયું છે કે, આ બ્લડ નિર્ધારિત સ્ટાન્ડર્ડ (ધોરણો) મુજબનું નથી અને તેની નબળી ગુણવત્તા માનવ જીવન માટે અત્યંત જાેખમી છે. આ ગંભીર બાબતને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા હવે જપ્ત કરાયેલા તમામ બ્લડનો સાયન્ટિફિક રીતે નાશ કરવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે.

આ કેસની તપાસમાં એક ચોંકાવનારી હકીકત એ સામે આવી છે કે, આરોપી આ નબળી ગુણવત્તાવાળું બ્લડ મહારાષ્ટ્રની વિવિધ બ્લડ બેંકોમાં સપ્લાય કરતો હતો. હાલમાં મહારાષ્ટ્રની આશરે ૮ જેટલી બ્લડ બેંકો અને તેના સંચાલકો પોલીસ તપાસના ઘેરામાં આવ્યા છે; જેમાં વાશિમ, અહમદનગર, ધૂલે, નાશિક, ભુસાવલ, છત્રપતિ સંભાજીનગર અને જાલનાની બ્લડ બેંકોનો સમાવેશ થાય છે અને ત્યાં તપાસ શરૂ કરી દેવામાં આવી છે. જાેકે, આ સમગ્ર પ્રકરણમાં રાહતની વાત એ છે કે, અત્યાર સુધીની તપાસમાં ગુજરાતની કોઈપણ હોસ્પિટલ કે બ્લડ બેંકમાં આ જાેખમી બ્લડ સપ્લાય થયું હોવાનું પોલીસના ધ્યાનમાં આવ્યું નથી.

આ આંતરરાજ્ય કૌભાંડના મૂળ સુધી પહોંચવા માટે હવે હ્લજીન્, ગુજરાત સ્ટેટ કાઉન્સિલ ફોર બ્લડ ટ્રાન્સફ્યુઝન અને આરોગ્ય વિભાગની ટીમો પણ તપાસમાં જાેડાઈ છે. તપાસ એજન્સીઓ દ્વારા બ્લડ બેંક શરૂ કરવાની પ્રક્રિયા, કાયદાકીય મંજૂરીઓ તેમજ બ્લડના ખરીદ-વેચાણના નિયમોનું કેટલું પાલન થયું છે તેની ચકાસણી કરવામાં આવી રહી છે. આ ઉપરાંત, આરોપીઓએ અન્ય કઈ કઈ કંપનીઓ કે સંસ્થાઓમાં આ બ્લડ પહોંચાડ્યું છે તે દિશામાં પણ ઊંડી તપાસ ચાલી રહી છે.

આ અંગે વિગતો આપતા અમદાવાદ ગ્રામ્ય એસપી એ જણાવ્યું હતું કે, આ ગેંગ છેલ્લા છ મહિનાથી આ નેટવર્ક ચલાવતી હતી. તેઓ ડ્રાઈવર અને ખલાસીની મદદથી ટ્રાન્સપોર્ટેશન વખતે ઓરિજનલ પ્લાઝમાની બેગો કાઢી લેતા અને તેને નકલી પ્લાઝમા જે પ્રાથમિક તપાસમાં સલાઈન વોટર જેવું હોવાનું જણાયું છે તેને બદલી નાખતા હતા. ત્યારબાદ તેઓ ચોરેલો ઓરિજનલ પ્લાઝમા બજારભાવ કરતા ૫૦% ઓછી કિંમતે ફરીથી બ્લડ બેન્કોમાં વેચી મારતા હતા. આ પ્લાઝમાનો ઉપયોગ ફાર્મા ઇન્ડસ્ટ્રીમાં એન્ટી કેન્સર ડ્રગ્સ બનાવવા માટે થાય છે, અને હિમોફિલિયા તેમજ એન્ટી ઇમ્યુન ડિસઓર્ડર ધરાવતા દર્દીઓને તે સીધો પણ ચડાવવામાં આવે છે. વળી, તેઓ ચોરેલો અસલી પ્લાઝમા પણ પ્રોટોકોલ મુજબ -૮ ડિગ્રી સેલ્સિયસ તાપમાને રાખવાને બદલે સામાન્ય આઈસ બોક્સમાં રાખતા હોવાથી તે બગડી જતો હતો અને દર્દીઓ માટે જાેખમી બની જતો હતો.

હાલ આ કેસમાં અન્ય રાજ્યોમાં પણ તપાસના તાર લંબાવવામાં આવ્યા છે. શું કોઈ દર્દીને આ નકલી પ્લાઝમાના કારણે ગંભીર અસર પહોંચી છે કે નહીં, તે દિશામાં પણ પોલીસ ટીમ સઘન તપાસ કરી રહી છે.