સુરત જિલ્લામાં ગત રાત્રિથી મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે. ભારે વરસાદના કારણે કીમ સહિત અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે, જેનાથી સામાન્ય જનજીવન પ્રભાવિત થયું છે. ખાસ કરીને કીમ ચાર રસ્તા નજીક આવેલ ફિરદૌસ શોપિંગ સેન્ટરમાં વરસાદી પાણી ફરી વળ્યા હતા.
વરસાદના પગલે કીમ વિસ્તારના નીચાણવાળા વિસ્તારોમાં પાણીનો નિકાલ ન થતાં દુકાનો સુધી પાણી પહોંચી ગયા હતા. આને કારણે દુકાનદારોને પોતાની દુકાનો બંધ રાખવાની ફરજ પડી હતી. શોપિંગ સેન્ટરમાં પાણી ભરાઈ જતાં ગ્રાહકોની અવરજવર પણ બંધ થઈ ગઈ, જેનાથી વેપારીઓને આર્થિક નુકસાન થયું છે.
કીમ ઉપરાંત સમગ્ર સુરત જિલ્લામાં ભારે વરસાદ નોંધાયો છે. ઓલપાડ, માંગરોળ, બારડોલી અને માંડવી સહિતના તાલુકાઓમાં પણ સારો વરસાદ પડ્યો હતો. આ વરસાદથી ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી હતી સ્થાનિકોના જણાવ્યા અનુસાર, વરસાદી પાણીના નિકાલ માટેની યોગ્ય વ્યવસ્થા ન હોવાથી દર વર્ષે આવી પરિસ્થિતિ સર્જાય છે. તંત્ર દ્વારા પ્રી-મોન્સૂન કામગીરીના દાવાઓ પોકળ સાબિત થયા હોવાનું જણાઈ રહ્યું છે. નાગરિકો હવે તંત્ર દ્વારા સત્વરે પાણીના નિકાલની વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે.

