Gujarat

ખેરગામ-ધરમપુર રોડ પર બે ટ્રક વચ્ચે ગંભીર અકસ્માત, બંને ચાલકો ઈજાગ્રસ્ત

ખેરગામ-ધરમપુર મુખ્ય માર્ગ પર શામળા ફળિયા નજીક મંગળવારના રોજ સવારે અંદાજે પોણા દસ વાગ્યાની આસપાસ બે ટ્રક સામસામે ધડાકાભેર અથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હતો. અકસ્માતનો જોરદાર અવાજ સાંભળીને આસપાસના લોકો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને બચાવ કામગીરી હાથ ધરી હતી.

ખેરગામ ધરમપુર રાજ્ય ધોરી માર્ગ પર બે ટ્રક વચ્ચે થયેલા અકસ્માતના પગલે લોકોમાં ભારે દોડધામ મચી ગઈ હતી. અકસ્માતમાં બન્ને ટ્રકના ચાલકોને ઈજા પહોંચતાં 108 એમ્બ્યુલન્સની મદદથી તેમને પ્રાથમિક સારવાર માટે ખેરગામ રેફરલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જોકે એક ચાલકની સ્થિતિ વધુ ગંભીર જણાતાં તેને વધુ સારવાર માટે વલસાડની હોસ્પિટલમાં રીફર કરવામાં આવ્યો હતો.

અકસ્માતની જાણ થતાં ખેરગામ પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ટ્રાફિક વ્યવસ્થા સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી. અકસ્માતને પગલે ખેરગામ-ધરમપુર રાજ્ય ધોરી માર્ગ પર વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી અને થોડા સમય માટે વાહનવ્યવહાર સંપૂર્ણપણે ખોરવાઈ ગયો હતો. તેની અસરરૂપે ખેરગામ હાઈસ્કૂલ તરફ જતાં માર્ગ પર પણ ટ્રકો અને અન્ય વાહનોની લાંબી લાઈનો જોવા મળી હતી.