ખંભાત-ધર્મજ હાઇવે પર વાડોલા-શિવરામપુરા રોડ નજીક ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. પૂરઝડપે આવતી ઇનોવા કારે ડિવાઇડર કૂદી રોંગ સાઇડમાં આવીને i10 કારને ટક્કર મારતા એક યુવાનનું કરુણ મોત નીપજ્યું હતું.
ઇનોવા કારના ચાલકે બેદરકારીપૂર્વક વાહન હંકારી ડિવાઇડર કૂદાવ્યું હતું. આ કાર રોંગ સાઇડમાં ધસી આવી હતી અને સામેથી આવતી i10 કારને અડફેટે લીધી હતી. ફરિયાદી વિષ્ણુકાંત યક્ષરક્ષા પાંડેએ નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમના મોટાભાઈ ઉમાકાંત યક્ષરક્ષા પાંડે પોતાની i10 કારમાં કામ અર્થે જઈ રહ્યા હતા ત્યારે આ અકસ્માતનો ભોગ બન્યા હતા.

અકસ્માત એટલો ગંભીર હતો કે ઉમાકાંત પાંડેને માથા, છાતી અને શરીરના અન્ય ભાગોમાં ગંભીર ઇજાઓ થઈ હતી. તેમને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ દ્વારા કેનેડી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા હતા. ત્યારબાદ પોસ્ટમોર્ટમની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ સમગ્ર મામલે ખંભાત ગ્રામ્ય પોલીસે ઇનોવા કાર GJ-23-AF-0010 ના ચાલક વિરુદ્ધ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે.

