જૂનાગઢ શહેરમાં ચોમાસાની સીઝન દરમિયાન ઘણા લાંબા સમયના વિરામ બાદ આખરે મેઘરાજાએ ધમાકેદાર આગમન કર્યું છે. વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદે મન મૂકીને વરસવાનું શરૂ કરતાં જ સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી ગઈ છે અને સ્થાનિક લોકોએ અસહ્ય ઉકળાટ તેમજ કાળઝાળ ગરમીમાંથી મોટી રાહતનો શ્વાસ લીધો છે.
લાંબા સમય પછી વરસેલા આ અનરાધાર વરસાદને કારણે લોકોમાં ભારે ઉત્સાહ અને આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે. જો કે, આ ખુશીની પાછળ વહીવટી તંત્રની પોલ પણ ખુલ્લી પડી ગઈ છે. મહાનગરપાલિકા દ્વારા ચોમાસા પહેલાં કરોડો રૂપિયાના ખર્ચે પ્રી-મોનસૂન કામગીરી અને ગટર સફાઈના મોટા-મોટા દાવાઓ કરવામાં આવ્યા હતા, કારણ કે પહેલા વરસાદે જ રોડમાં ગોઠણ ડૂબ પાણી ભરાયા છે તો બીજી તરફ આ વાહનો બંધ પડી જતા વાહન ચાલકોએ તેના વાહનો દોરીને લઈ જવા નોબત ઊભી થઈ છે.
ત્યારે માત્ર પહેલા જ વરસાદે જૂનાગઢ મહાનગરપાલિકાના આ તમામ પોકળ દાવાઓની હવા કાઢી નાખી છે અને તંત્રની નબળી કામગીરીનું ચિત્ર સામે આવ્યું છે.

