જૂનાગઢમાં સરકારી સંસ્થાઓ અને તબીબી સેવા કેન્દ્રોને વધુ સ્વચ્છ અને સુઘડ બનાવવાના ઉદ્દેશ્ય સાથે વિશેષ પહેલ કરવામાં આવી છે. આ અંતર્ગત જૂનાગઢ સિવિલ હોસ્પિટલ ખાતે નમો સ્વચ્છતા અભિયાન હેઠળ ખાસ સાપ્તાહિક સ્વચ્છતા ઝુંબેશનો વિધિવત અને રાજ્યવ્યાપી શુભારંભ કરવામાં આવ્યો છે. આ અભિયાન આગામી એક સપ્તાહ સુધી હોસ્પિટલના ખૂણે-ખૂણાને ચમકાવવા અને દર્દીઓ માટે આરોગ્યપ્રદ વાતાવરણ પૂરું પાડવા માટે કાર્યરત રહેશે.

પ્રફુલભાઈ પાનસુરીયાની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં આ અભિયાન ખુલ્લુ મૂકાયું જૂનાગઢ સિવિલ હોસ્પિટલના સુપ્રિટેન્ડેન્ટ કૃતાર્થ બ્રહ્મભટ્ટે જણાવ્યું હતું કે, આ નમો સ્વચ્છતા અભિયાનનો રાજ્યકક્ષાનો પ્રારંભ ગાંધીનગર ખાતેથી કરવામાં આવ્યો છે. સિવિલ હોસ્પિટલ ગાંધીનગરના ઓડિટોરિયમ ખાતે યોજાયેલ આ કાર્યક્રમમાં રીતે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તેમજ રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસુરીયાની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં આ અભિયાન ખુલ્લું મૂકવામાં આવ્યું હતું.
ગાંધીનગર ખાતેથી થયેલા આ રાજ્યવ્યાપી લોન્ચિંગની સમાંતર જૂનાગઢ ખાતે પણ જિલ્લા કક્ષાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જૂનાગઢ સિવિલ હોસ્પિટલના મુખ્ય લેક્ચર હોલ ખાતે આ જિલ્લા કક્ષાના વિશેષ કાર્યક્રમની રૂપરેખા તૈયાર કરાઈ હતી. આ પ્રસંગે હોસ્પિટલ પરિસરમાં જૂનાગઢ જિલ્લાના વિવિધ જનપ્રતિનિધિઓ, સામાજિક અગ્રણીઓ તેમજ મનપા અને વહીવટી તંત્રના ઉચ્ચ અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને સ્વચ્છતાના આ કાર્યને વેગ આપવા માટે સામૂહિક સંકલ્પ લીધો હતો.

કામગીરીને વ્યાપક ઝુંબેશનું સ્વરૂપ આપવામાં આવશે હોસ્પિટલની રોજીંદી સફાઈ વ્યવસ્થા અંગે વાત કરતા સુપ્રિટેન્ડેન્ટ કૃતાર્થ બ્રહ્મભટ્ટે વધુમાં ઉમેર્યું હતું કે, જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં સ્વચ્છતાની કામગીરી નિયમિત અને કડક રીતે કરવામાં આવે જ છે. સામાન્ય દિવસોમાં પણ દર્દીઓની સુવિધા માટે દિવસ દરમિયાન કુલ ત્રણ અલગ-અલગ શિફ્ટમાં ચોકસાઈપૂર્વક સફાઈ કામગીરી કરવામાં આવે છે પરંતુ, આ નમો સ્વચ્છતા સાપ્તાહિક અભિયાનના સમયગાળા દરમિયાન આ કામગીરીને માત્ર સામાન્ય સફાઈ પૂરતી સીમિત ન રાખતા, વ્યાપક ઝુંબેશનું સ્વરૂપ આપવામાં આવશે. જે અંતર્ગત હોસ્પિટલના તમામ વોર્ડ, ઓપીડી વિભાગ, લેબોરેટરી અને આસપાસના ખુલ્લા પરિસરની હજુ વધુ સઘન અને ઊંડાણપૂર્વક સફાઈ કરવામાં આવશે.

