જૂનાગઢ સહિત સમગ્ર સોરઠ પંથકમાં ચોમાસાની ઋતુ ખીલી ઉઠી છે, ત્યારે એશિયાઈ સિંહોના એકમાત્ર નિવાસસ્થાન એવા ગીરના જંગલમાંથી પ્રકૃતિના ખોળેથી એક અદભુત નજારો સામે આવ્યો છે. વરસાદી માહોલ અને ચારેય તરફ પથરાયેલી લીલોતરી વચ્ચે ગીરના જંગલમાં સિંહોની શાહી જમાવટ જોવા મળી રહી છે. હાલમાં સોશિયલ મીડિયા પર સિંહ પરિવારનો એક અદભુત વીડિયો ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે, જે વન્યજીવ પ્રેમીઓમાં ભારે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે.
કાચા રસ્તાની વચોવચ આખો સિંહપરિવાર રમતિયાળ મૂડમાં જોવા મળ્યો વાયરલ થયેલા આ વીડિયોમાં ગીરના વન્ય માર્ગ પર એકસાથે 4થી 5 સિંહોનું આખું ટોળું કેમેરામાં કેદ થયું છે. જંગલની વચ્ચેથી પસાર થતા કાચા રસ્તાની વચોવચ આખો સિંહપરિવાર આરામ ફરમાવતો અને રમતિયાળ મૂડમાં જોવા મળી રહ્યો છે. ચોમાસાના આહલાદક વાતાવરણની મજા માણતો આ સિંહ પરિવાર ખૂબ જ શાંત અને પ્રભાવશાળી અંદાજમાં નજરે પડે છે.

લોકો ગીરની આ કુદરતી સુંદરતાના વખાણ કરતા થાકતા નથી આ વીડિયોની સૌથી સુંદર બાબત એ છે કે, તેમાં સિંહ પરિવારના સભ્યો એકબીજા પ્રત્યે અદભુત પ્રેમ દર્શાવી રહ્યા છે. સિંહો રસ્તા પર બેઠા-બેઠા એકબીજા પર વહાલ વરસાવતા અને પરસ્પર લાડ લડાવતા નજરે પડ્યા છે. વનરાજોની આ રમતિયાળ અને શાહી શૈલી કુદરતના સાનિધ્યમાં એક અત્યંત અદભુત અને નયનરમ્ય દ્રશ્ય ખડું કરે છે. નેટીઝન્સ દ્વારા આ વિડીયોને સોશિયલ મીડિયાના અલગ-અલગ પ્લેટફોર્મ પર ખૂબ જ શેર કરવામાં આવી રહ્યો છે અને લોકો ગીરની આ કુદરતી સુંદરતાના વખાણ કરતા થાકતા નથી.

