Gujarat

સોલર પ્લાન્ટ-પવનચક્કીના કેબલ ચોરીનો પર્દાફાશ, LCBની કાર્યવાહી

સાબરકાંઠા LCBએ સોલર પ્લાન્ટ અને પવનચક્કીના કેબલ ચોરી કરતી આંતરરાજ્ય ગેંગના બે સભ્યોને ઝડપી પાડ્યા છે. આ આરોપીઓ ઈડર-હિંમતનગર હાઈવે પરના દેવગઢ કંપા નજીકથી મધ્યપ્રદેશ પાર્સિંગવાળી બાઈક પરથી પકડાયા હતા. તેમની પાસેથી રૂ. 60,000નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

થોડા મહિના અગાઉ ઈડર પોલીસ સ્ટેશનની હદમાં આવેલા નેત્રામલી નજીક ઉર્જા કંપનીના સોલર પ્લાન્ટ અને અન્ય સ્થળોએથી પવનચક્કીના કેબલ કાપી ચોરી કરવાની ફરિયાદો નોંધાઈ હતી. આ મામલે ઈડર પોલીસ સ્ટેશનમાં ગુનો પણ દાખલ થયો હતો.

સાબરકાંઠા LCBને બાતમી મળી હતી કે મધ્યપ્રદેશ પાર્સિંગવાળી બાઈક પર બે શખ્સો ઈડર તરફથી હિંમતનગર તરફ આવી રહ્યા છે. આ બાતમીના આધારે LCBની ટીમે દેવગઢ કંપા ત્રણ રસ્તા નજીક વોચ ગોઠવી હતી. વોચ દરમિયાન બાઈક નંબર MP.43.ZH.7155 પર આવી રહેલા બંને શખ્સોને અટકાવી પૂછપરછ કરવામાં આવી હતી.

પોલીસે બાઈકના આધારપુરાવા માંગતા પકડાયેલા શખ્સોએ પોતાની ઓળખ રાહુલ વાઘુ ઉર્ફે વાઘેશ્વર દેવા કટારા અને રાજેશ લાલુ હામજી કટારા (બંને રહે. અમરપુરા, જિ. રતલામ, મધ્યપ્રદેશ) તરીકે આપી હતી. સઘન પૂછપરછમાં તેમણે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં કેબલ ચોરીના અનેક ગુનાઓને અંજામ આપ્યા હોવાની કબૂલાત કરી હતી.

આરોપીઓએ નેત્રામલી, અરવલ્લીના ધનસુરા અને સાઠંબા પોલીસ સ્ટેશનની હદમાં કેબલ ચોરી કરી હોવાનું જણાવ્યું હતું. પોલીસે તેમની પાસેથી કોપરના તાર કાપવાની કટર, રૂ. 10,000નો મોબાઈલ ફોન અને રૂ. 50,000ની કિંમતનું બાઈક સહિત કુલ રૂ. 60,000નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.