ગાંગડાના એક ખેતરમાં ૧૦થી વધુ ભેંસોનાં મોત નીપજતા પશુપાલકની ચિંતામાં અતિશય વધારો
જીલ્લાના ઉના પંથકમાં શનિવાર રાત્રે ૭ ઇંચ વરસાદે ભારે તબાહી સર્જી છે. મચ્છુન્દ્રી, માલણ અને રાવલ નદીઓમાં ઘોડાપૂર આવતા ગાંગડા અને સનખડા ગામોનાં ૨૦૦થી વધુ ઘરો પાણીમાં ગરકાવ થયાં છે. પૂરમાં ૧૦થી વધુ ભેંસોનાં મોત થયાં છે અને અનેક વીજ થાંભલા ધરાશાયી થતાં વીજપુરવઠો ઠપ થયો છે. અસરગ્રસ્તો તાત્કાલિક સર્વે અને સહાયની માંગ કરી રહ્યા છે.
છેલ્લા પાંચ દિવસથી અવિરત વરસી રહેલા વરસાદે ઉના પંથકમાં ભારે તારાજી સર્જી છે. ગત રાત્રે ઉના શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર ૭ ઇંચ વરસાદ નોંધાતા સમગ્ર વિસ્તાર જળબંબાકાર બની ગયો હતો. ભારે વરસાદને કારણે મચ્છુન્દ્રી, માલણ અને રાવલ નદીઓમાં નવા નીરની જાેરદાર આવક થતાં અનેક સ્થળોએ નદીઓ બે કાંઠે વહેવા લાગી હતી. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળતાં સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું હતું.
ભારે વરસાદની સૌથી ગંભીર અસર ગાંગડા ગામમાં જાેવા મળી હતી. માલણ નદીમાં આવેલા ઘોડાપૂરને કારણે ગામના નદી કાંઠા અને પ્લોટ વિસ્તારોમાં પાણી ઘૂસી જતાં ૧૫૦થી વધુ ઘરો પાણીમાં ગરકાવ થઈ ગયાં હતાં. અનેક પરિવારોની ઘરવખરી, અનાજ, ફર્નિચર અને રોજિંદા ઉપયોગની ચીજવસ્તુઓ પાણીમાં પલળી જતાં લાખો રૂપિયાનું નુકસાન થયું હોવાનું પ્રાથમિક અનુમાન છે. ગાંગડા-ઊંટવાળા માર્ગ પર પૂરના ધસમસતા પ્રવાહમાં અનેક વીજ થાંભલા ધરાશાયી થતાં આસપાસના વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો. વીજળી ગુલ થતાં અનેક પરિવારોને અંધારામાં રાત પસાર કરવાની ફરજ પડી હતી.
પૂરને કારણે ગાંગડા ગામના એક પશુપાલકના ખેતરમાં ૧૦થી વધુ ભેંસોનાં મોત થયાં હોવાનું સામે આવ્યું છે. આ ઘટનાથી પશુપાલકને લાખો રૂપિયાનું આર્થિક નુકસાન થયું છે, જ્યારે જિલ્લાના અન્ય વિસ્તારોમાં પણ માલઢોરના મોતના અહેવાલો સામે આવ્યા છે.
સનખડા ગામમાં મધ્યરાત્રે માલણ અને રાવલ નદીમાં આવેલા ઘોડાપૂર બાદ ભારે નુકસાન થયું હતું. બંને નદીઓ બે કાંઠે વહેતાં કુંભારવાડા સહિત નદીપટ વિસ્તારમાં આવેલા ૫૦થી વધુ ઘરોમાં પાણી ઘૂસી ગયું હતું. અનેક ઘરોમાં કમર સુધી પાણી ભરાઈ જતાં લોકો ઉચાટભરી સ્થિતિમાં આખી રાત જાગતા રહ્યા હતા. અચાનક ઘરમાં પાણી ઘૂસતાં પરિવારોએ બાળકો અને વૃદ્ધોને સલામત સ્થળે પહોંચાડવાની સાથે ઘરવખરી બચાવવાના પ્રયાસો કર્યા હતા.
ભારે વરસાદ બાદ આવેલ પૂરના પાણીમાં અનાજ, કપડાં, ફર્નિચર અને અન્ય જરૂરી સામાન પલળી જતાં પરિવારોને ભારે આર્થિક ફટકો પડ્યો છે. સ્થાનિક ગૃહિણીઓ દયાબેન અને પુનીબેને પોતાની વ્યથા વ્યક્ત કરતાં જણાવ્યું કે એક જ રાતમાં વર્ષોની બચત પાણીમાં ધોવાઈ ગઈ અને હવે રોજિંદું જીવન ફરી ગોઠવવું મુશ્કેલ બન્યું છે.
અસરગ્રસ્ત ગામોના લોકોએ તાત્કાલિક નુકસાનનો સર્વે કરી યોગ્ય વળતર અને રાહત સહાય જાહેર કરવાની માંગ કરી છે. હવામાન વિભાગે હજુ વધુ વરસાદની શક્યતા વ્યક્ત કરતાં જિલ્લા તંત્રએ નદી કાંઠાના અને નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને સતર્ક રહેવા અપીલ કરી છે. સમગ્ર વિસ્તારમાં તંત્ર દ્વારા સતત દેખરેખ રાખવામાં આવી રહી છે અને જરૂર પડે ત્યાં બચાવ તથા રાહત કામગીરી હાથ ધરવામાં આવી રહી છે.

