Gujarat

GERC વીજ લોકપાલનો મહત્વપૂર્ણ ચૂકાદો

ગુજરાત વિદ્યુત નિયામક આયોગના વીજ લોકપાલે સ્માર્ટ મીટરને લઈને મહત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે. ચૂકાદામાં લોકપાલે સ્પષ્ટ કર્યું છે કે, વીજ વિતરણ કંપનીઓ લાગુ કાયદા અને નિયમો અનુસાર ગ્રાહકોના પરંપરાગત મીટરની જગ્યાએ સ્માર્ટ મીટર સ્થાપિત કરી શકે છે અને તેના માટે ગ્રાહકની પૂર્વ સંમતિ લેવી ફરજિયાત નથી. માત્ર સ્માર્ટ મીટરનો વિરોધ કરીને જૂનું મીટર ફરીથી લગાવવાની માગ પણ કાયદેસર ગણાશે નહીં.

કાયદા અને નિયમો મુજબ સ્માર્ટ મીટર સ્થાપિત કરવાનો અધિકાર ગુજરાત વિદ્યુત નિયામક આયોગ (GERC)ના વીજ લોકપાલે મહેન્દ્રકુમાર ડી. પટેલ વિરુદ્ધ MGVCL લાલબાગ ડિવિઝન, વડોદરાના કેસમાં મહત્વપૂર્ણ નિર્ણય આપતાં જણાવ્યું છે કે, વીજ વિતરણ કંપનીઓને લાગુ કાયદા અને નિયમો મુજબ સ્માર્ટ મીટર સ્થાપિત કરવાનો અધિકાર છે. આવા મીટર બદલવા માટે ગ્રાહકની પૂર્વ સંમતિ આવશ્યક નથી.

બેંકની ઓટો-ડેબિટ સુવિધા પ્રભાવિત થયાનો અરજદારનો દાવો અરજદારે દાવો કર્યો હતો કે, તેની મંજૂરી વિના સ્માર્ટ મીટર લગાવવામાં આવ્યું હતું, જેના કારણે તેની બેંકની ઓટો-ડેબિટ સુવિધા પ્રભાવિત થઈ હતી અને ત્યારબાદ વીજ પુરવઠો પણ બંધ કરવામાં આવ્યો હતો.

જોકે MGVCLએ પોતાની રજૂઆતમાં જણાવ્યું હતું કે સ્માર્ટ મીટરનું સ્થાપન Electricity Act, 2003, CEA Metering Regulations, Electricity (Rights of Consumers) Rules તેમજ GERC Supply Code મુજબ કરવામાં આવ્યું છે. ઉપરાંત, ઓટો-ડેબિટ સુવિધાને મીટરના પ્રકાર સાથે કોઈ સંબંધ નથી.

ગ્રાહક સ્માર્ટ મીટરમાં કોઈ ટેક્નિકલ ખામીના પુરાવા રજૂ કરવામાં નિષ્ફળ વીજ લોકપાલે પોતાના આદેશમાં નોંધ્યું છે કે સ્માર્ટ મીટર સ્થાપન કાયદેસર પ્રક્રિયા મુજબ કરવામાં આવ્યું છે અને ગ્રાહક સ્માર્ટ મીટરમાં કોઈ ટેક્નિકલ ખામી અથવા બિલિંગમાં ગડબડ હોવાના પુરાવા રજૂ કરવામાં નિષ્ફળ રહ્યો છે, જેથી લોકપાલે ગ્રાહકની અપીલ ફગાવી દીધી છે અને ગ્રાહક ફરિયાદ નિવારણ ફોરમનો નિર્ણય યથાવત્ રાખ્યો છે.