Gujarat

વડોદરામાં ઓરસંગ નદી કિનારે માછીમારી કરતા વૃદ્ધને મગરે ફાડી ખાધા

વડોદરા જિલ્લાના ડભોઇ તાલુકાના પારાગામમાં હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. ઓરસંગ નદીના કિનારે માછીમારી કરવા ગયેલા એક વૃદ્ધ પર મગરે હુમલો કરતા તેમનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મોત નીપજ્યું છે. આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. માછીમારી કરતા વૃદ્ધ પર મગરનો હુમલો હાલ ચોમાસાની ઋતુ હોવાથી ઓરસંગ નદી બે કાંઠે વહી રહી છે. નદીમાં પાણીની આવક વધતા જળચર જીવો પણ કિનારા સુધી આવી રહ્યા છે.

બઝારીયા નાયક નામના વૃદ્ધ માછીમારી કરવા માટે નદી કિનારે ગયા હતા. તે સમયે નદીના પાણીમાંથી બહાર આવેલા વિશાળકાય મગરે અચાનક તેમના પર હુમલો કર્યો હતો. આ હુમલામાં વૃદ્ધને બચવાની તક પણ મળી ન હતી અને ગંભીર ઈજાઓને કારણે તેમનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.

પોલીસ કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો ઘટનાની જાણ થતા જ આસપાસના ગ્રામજનો મોટી સંખ્યામાં નદી કિનારે એકઠા થઈ ગયા હતા. લોકોએ તાત્કાલિક વન વિભાગને આ બાબતે જાણ કરી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ડભોઇ પોલીસનો કાફલો પણ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે લાશનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી હતી.

નદી કિનારે વસવાટ કરતા લોકો ભયના ઓથાર હેઠળ ભૂતકાળમાં પણ ઓરસંગ નદીમાં અનેકવાર ગ્રામજનો અને પશુઓ પર મગરો દ્વારા હુમલા કરવામાં આવ્યા છે. નદી કિનારે વસવાટ કરતા લોકો હંમેશા ભયના ઓથાર હેઠળ જીવે છે. વહીવટીતંત્ર દ્વારા નદી કિનારે સાવચેતીના બોર્ડ લગાવવા અને જોખમી મગરોને પકડીને સુરક્ષિત સ્થળે ખસેડવા માટે વ્યાપક ઝુંબેશ હાથ ધરવામાં આવે, જેથી ભવિષ્યમાં કોઈ નિર્દોષનો જીવ ન જાય.