શહેરના હાથીજણ થી વસ્ત્રાલ જવાના રસ્તે એક બેફામ ગતિએ આવી રહેલા ડમ્પરે મોપેડને જાેરદાર ટક્કર મારી હતી. આ અકસ્માતમાં મોપેડ પર સવાર માતા-પુત્ર રસ્તા પર ફંગોળાયા હતા, જેમાં ૩ વર્ષના માસૂમ બાળકનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. આ દુર્ઘટનાને પગલે મૃતક બાળકના પરિવારમાં ભારે આક્રંદ અને શોકની લાગણી પ્રસરી ગઈ છે.
આ અકસ્માત અંગે મળતી માહિતી અનુસાર, અમદાવાદના નિકોલ વિસ્તારમાં રહેતા કામિનીબહેન પ્રજાપતિ તેના ૩ વર્ષના માસૂમ પુત્ર સાત્વિક સાથે મોપેડ પર સવાર થઈને હાથીજણથી વસ્ત્રાલ રોડ પરથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન એપોલો ટાયર્સ નજીક પાછળથી પૂરપાટ ઝડપે આવી રહેલા એક ડમ્પરના ચાલકે તેમના મોપેડને અડફેટે લીધું હતું. ટક્કર એટલી જાેરદાર હતી કે માતા અને પુત્ર બંને રોડ પર પટકાયા હતા. ગંભીર શારીરિક ઇજાઓ થવાના કારણે નાનકડા સાત્વિકે ઘટનાસ્થળે જ દમ તોડી દીધો હતો, જ્યારે કામિનીબહેનને ઇજાઓ પહોંચતા તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયા છે.
આ ગમખ્વાર અકસ્માત સર્જ્યા બાદ ડમ્પરનો ચાલક પોતાનું વાહન ઘટનાસ્થળે જ મૂકીને ફરાર થવાનો પ્રયાસ કરતા લોકો તેને ઝડપીને પોલીસના હવાલે કર્યો હતો. અકસ્માતની ગંભીરતાને જાેતાં ‘જે‘ ડિવિઝન ટ્રાફિક પોલીસનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે મૃતક બાળકના શવને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી અકસ્માત સર્જનાર ડમ્પરચાલકની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી હતી.

