Gujarat

લોકોની સેવા એ જ આત્મસંતોષ અને સુખ મેળવવાનું સર્વોત્તમ માધ્યમ છે: રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી

ગુજરાત એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ – જી.એ.એસ. કેડરમાંથી ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ – આઈ.એ.એસ. કેડરમાં પ્રમોટ થયેલા અધિકારીઓએ ગાંધીનગર સ્થિત લોકભવન ખાતે રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી સાથે શુભેચ્છા મુલાકાત કરી હતી. રાજ્યપાલશ્રીએ તમામ અધિકારીઓને હાર્દિક શુભકામનાઓ પાઠવી હતી.

આ તકે રાજ્યપાલશ્રીએ જણાવ્યું હતું કે, ઈશ્વરે આપણને બધાને સમાજ અને પ્રજાની સેવા કરવાનો બહુ મોટો અવસર આપ્યો છે. દરેક વ્યક્તિ પોતાના જીવનમાં કોઈને કોઈ વિશેષતા લઈને જન્મે છે અને જાે તે વિશેષતા પર ધ્યાન કેન્દ્રિત કરીને કામ કરવામાં આવે તો સમાજને તેનો મોટો લાભ મળે છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી જે રીતે વિકસિત ભારત જ્ર ૨૦૪૭ના સંકલ્પને આગળ વધારી રહ્યા છે, તેમાં આપણે સૌએ સાથે મળીને આવનારી પેઢીઓ માટે યોગદાન આપવું જ જાેઈએ. લોકોની સેવા એ જ આત્મસંતોષ અને સુખ મેળવવાનું સર્વોત્તમ માધ્યમ છે.

બેઠકમાં ઉપસ્થિત અધિકારીઓએ પોતાના અનુભવો વર્ણવતા જણાવ્યું હતું કે, તેઓ વર્ષ ૨૦૦૫થી ગુજરાતમાં વહીવટી સેવાઓ આપી રહ્યા છે. વર્ષ ૨૦૦૫ પછીનો સમયગાળો ઇ-ગવર્નન્સનો સંક્રાંતિકાળ હતો, જેમાં ઇલેક્ટ્રોનિક સિસ્ટમ દાખલ થઈ રહી હતી. તે સમયે મહેસૂલી રેકોર્ડ, રેશન કાર્ડ અને જમીન નોંધણીના જૂના રેકોર્ડ્સને કમ્પ્યુટરાઈઝ્ડ કરવા માટે ભારે સંઘર્ષ કરવો પડ્યો હતો અને લોકોને આ નવી વ્યવસ્થા સમજાવવી પડી હતી. રાજ્યપાલશ્રીએ અધિકારીઓની આ મહેનતને બિરદાવતા કહ્યું કે, તમારી આ મહેનત આવનારી પેઢીઓને ખૂબ કામ લાગશે.

રાજ્યપાલશ્રીએ તમામ નવનિયુક્ત આઈ.એ.એસ. અધિકારીઓને અપીલ કરી હતી કે, તેઓ ફિલ્ડમાં પોતાના પોસ્ટિંગ દરમિયાન પ્રાકૃતિક કૃષિ મિશનમાં વિશેષ રુચિ દાખવે. તેમણે પર્યાવરણ અને સ્વાસ્થ્યની ચિંતા કરતા કહ્યું કે, જાે આ પૃથ્વી પર શરીર અને જીવન જ સુરક્ષિત નહીં હોય, તો કશું જ બચશે નહીં; ના કોઈ સંબંધો રહેશે, ના કોઈ હોદ્દો. રાસાયણિક ખાતરોથી આખું વાતાવરણ દૂષિત થઈ ગયું છે અને હોસ્પિટલો બીમાર લોકોથી ભરાઈ રહી છે. તેથી, સમાજના કલ્યાણ અને લોકોના સ્વાસ્થ્ય માટે તમે જ્યાં પણ પોસ્ટિંગ મેળવો ત્યાં પ્રાકૃતિક ખેતીના વ્યાપ માટે વહીવટી સ્તરે સક્રિય યોગદાન આપજાે.

અધિકારીઓએ રાજ્યપાલશ્રીના આ વિઝનને સહર્ષ સ્વીકારીને પ્રાકૃતિક કૃષિના જન-આંદોલનને મજબૂત કરવાની કટિબદ્ધતા દર્શાવી હતી.