દામનગર અને સાવરકુંડલામાં ધોધમાર વરસાદથી જળબંબાકાર, નાવલી નદીમાં ઘોડાપૂર અને સુકનેરા ડેમ ઓવરફ્લો
અમરેલી જિલ્લામાં બારે મેઘ ખાંગા જેવી સ્થિતિ જાેવા મળી છે. એકસામટો ૧૦ ઈંચ થી વધુ વરસાદ ખાબકી જતા જિલ્લાના અનેક ગામોમાં તારાજી અને હાલાકીના દૃશ્યો સામે આવ્યા છે. છેલ્લા બે દિવસમાં અનારાધાર વરસાદને કારણે ભારે જળભરાવની સ્થિતિ સર્જાઈ છે. અનેક ગામો માં પાણી ભરાઈ ગયા છે. નીચાણવાળા વિસ્તારોમાં ઘરોમાં પણ પાણી ભરાઈ જતા લોકોની ઘરવખરીને ભારે નુકસાન પહોંચ્યુ છે. અમરેલી તાલુકાના રિકડિયા ગામે જાણે જળસમાધિ લીધી હોય તેવા દૃશ્યો સામે આવ્યા છે. આ સ્થિતિમાં ગામલોકોની હાલત વધુ કફોડી બની છે.
અમરેલી પંથકના રાજુલા, ખાંભા, ધારી, ચલાલા, જાફરાબાદ, સાવરકુંડલા સહિતના તાલુકા અને ગામોમાં ભારે વરસાદ વરસ્યો છે. જેના કારણે લોકોને ભારે હાલાકી જાેવા મળી રહી છે. જ્યાં જુઓ ત્યાં જળબંબાકારની સ્થિતિ જાેવા મળી રહી છે. વાહનચાલકોની હાલાકી વધી છે. અમરેલીમાં ૨૧ જેટલા રસ્તા પર વાહનવ્યવહાર ઠપ્પ થયો છે. જેના કારણે ૧૦ ગામોનો સંપર્ક કપાયો છે.
મેઘરાજાએ મન મૂકીને હેત વરસાવતા ધરતીપુત્રોમાં આનંદની લહેરની સાથે જિલ્લામાં ઠેર-ઠેર જળબંબાકારના દ્રશ્યો પણ જાેવા મળી રહ્યા છે. દામનગર શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદનું આગમન થયું છે. શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે, જ્યારે ખેતરો પાણીથી તરબોળ થતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જાેવા મળી રહ્યો છે.
લિલિયાના બવાડી ગામે ગત રાત્રિથી ફસાયેલા પરપ્રાંતિયોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. જાે કે ધોધમાર વરસાદને પગલે અનેક ગામોમાં વીજળી ડૂલ થઈ છે. ૨૨૨ વીજપોલ, ૯ ટ્રાન્સફોર્મરને નુકસાન પહોંચ્યુ છે. ૫૫ ગામમાં વીજ પૂરવઠો ખોરવાયો છે.
શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં બપોર બાદ બફારા સાથે શરૂ થયેલા વરસાદને કારણે રસ્તાઓ પાણી પાણી થઈ ગયા છે અને શહેરના માર્ગો પરથી વરસાદી પાણી વહી રહ્યા છે. સાવરકુંડલામાં ભારે વરસાદના કારણે સ્થાનિક નાવલી નદીમાં ઘોડાપૂર આવતા નદી ગાંડીતૂર બની હતી અને પાણી પુલ પર ફરી વળ્યા હતા. પૂરના પ્રચંડ પ્રવાહમાં એક વીજપોલ ધરાશાયી થવાની ઘટના કેમેરામાં કેદ થઈ હતી. નદીના પાણી કાંઠાની દુકાનોમાં ઘૂસી ગયા હતા, જ્યારે સુકનેરા ડેમ પણ ઓવરફ્લો થયો હતો.
લાઠી અને લિલીયા પંથકમાં પણ મેઘરાજા મહેરબાન થયા છે. લિલીયાના એકલેરા અને ગુદરણ સહિતના ગામો તેમજ લાઠીના ઈંગોરાળા અને હાવતડ પંથકમાં સારો વરસાદ નોંધાયો છે. લાંબા સમયથી વરસાદની રાહ જાેઈ રહેલા ખેડૂતોના ચહેરા પર આ વરસાદે સ્મિત રેલાવી દીધું છે. તો બીજી તરફ, કુકાવાવ પંથકમાં ધીમીધારે વરસાદ શરૂ થયો છે. અમરાપુર, બરવાળા અને બાવીસી ગામમાં મેઘરાજાના હેતથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે.
ભારે વરસાદના કારણે જાફરાબાદ પંથકમાં પૂર જેવી સ્થિતિ સર્જાતા પોલીસ જવાનો સ્થાનિક લોકો માટે દેવદૂત બન્યા છે. વઢેરા ગામે કમર સુધીના પૂરમાં જીવના જાેખમે ઉતરીને પોલીસે બાળકો, મહિલાઓ અને વૃદ્ધોને સુરક્ષિત સ્થળે ખસેડ્યા હતા. મુશ્કેલ સમયમાં બજાવેલી આ પ્રશંસનીય ફરજને કારણે સમગ્ર પંથકમાં જાફરાબાદ પોલીસની માનવતા અને બહાદુરીના વખાણ થઈ રહ્યા છે.

