શહેરના ભેસ્તાન વિસ્તારમાં આવેલા સરસ્વતી આવાસ અને ભીમનગર આવાસના જર્જરિત મકાનોમાં રહેતા પરિવારો દ્વારા એસએમસીની તાપી ભવન કચેરી ખાતે મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. ધોધમાર વરસાદ વચ્ચે પણ મહિલાઓ, વૃદ્ધો અને બાળકો સહિતના રહીશોએ પાલિકા સામે સૂત્રોચ્ચાર કરીને પોતાની વર્ષો જૂની માંગણીઓનો ઉગ્ર અવાજ ઉઠાવ્યો હતો. અસરગ્રસ્તોનો આક્ષેપ છે કે, છેલ્લા ૧૧ વર્ષથી સતત રજૂઆતો કરવા છતાં પાલિકા તંત્ર દ્વારા ન તો પુન:વિકાસ કરવામાં આવ્યો છે અને ન તો વૈકલ્પિક આવાસ કે ભાડાની કોઈ વ્યવસ્થા કરવામાં આવી છે.
સુરત મનપા. ના તાપી ભવન કચેરી ખાતે ચાલુ વરસાદમાં આવાસના અસરગ્રસ્તોનો એક મોરચો આવ્યો હતો. વરસતા વરસાદમાં અસરગ્રસ્તોએ આક્ષેપ કર્યો હતો કે, ઝૂંપડપટ્ટી પુનર્વસન યોજના હેઠળ તેમને પાકા મકાનો ફાળવવામાં આવ્યા હતા, પરંતુ નબળી ગુણવત્તાના બાંધકામને કારણે મકાનો થોડા જ વર્ષોમાં જર્જરિત બની ગયા હતા. છેલ્લા ઘણા વર્ષોથી સ્લેબના પોપડા પડવા સહિતની ઘટનાઓ વચ્ચે લોકો જીવના જાેખમે રહેવા મજબૂર બન્યા છે. અનેક રજૂઆતો અને પત્રો આપવા છતાં સમસ્યાનો કોઈ કાયમી ઉકેલ આવ્યો નથી.
વિરોધ દરમિયાન વરસાદ શરૂ થતાં પણ અસરગ્રસ્તો સ્થળ પરથી હટ્યા નહોતા ધોધમાર વરસાદની વચ્ચે પણ પુરુષો, મહિલાઓ અને વૃદ્ધો કચેરીની બહાર ઊભા રહ્યા હતા અને પલળતા પલળતા પણ પોતાનો આક્રોશ વ્યક્ત કરવાનું ચાલુ રાખ્યું હતું. આવી રીતે પણ આક્રોશ સાથે જણાવ્યું હતું કે, મકાનો ખાલી કરવા દબાણ કરવામાં આવે છે, પરંતુ રહેવા માટે કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કે ભાડું આપવામાં આવતું નથી જેના કારણે અસરગ્રસ્તની હાલત કફોડી થઈ રહી છે. અસરગ્રસ્ત એવા હેમાબેન રાઠોડે જણાવ્યું હતું કે છેલ્લા ૧૧ વર્ષથી તેઓ સતત સરકારી કચેરીના ધક્કા ખાઈ રહ્યા છે, છતાં કોઈ અધિકારી તેમની વ્યથા સાંભળવા તૈયાર નથી. નાના બાળકો સાથે જીવના જાેખમે રહેવું પડે છે, છતાં પાલિકા માત્ર મકાન ખાલી કરવાની વાત કરે છે. અમે ક્યાં જઈએ? રહેવા માટે જગ્યા આપો અથવા ભાડું આપો, તેવી તેમની માંગ હતી.
તેમજ ત્યાં હાજર અન્ય એક અસરગ્રસ્તે વ્યથા રજુ કરતા કહ્યું હતું, સરસ્વતી આવાસ અને ભીમ નગર આવાસ ના રહીશોએ વર્ષો દરમિયાન અનેક વખત લેખિત રજૂઆત કરી છે, પરંતુ પુન:વિકાસની પ્રક્રિયા હજુ સુધી શરૂ થઈ નથી. સરસ્વતી આવાસ ના કેટલાક પરિવારોને અન્યત્ર ખસેડવામાં આવ્યા હોવા છતાં ત્યાં પણ ટૂંકા સમયમાં જ મકાનો જર્જરીત બની ગયા હોવાનું તેમણે જણાવ્યું હતું. હવે અસરગ્રસ્તોને સલામત વૈકલ્પિક આવાસ અથવા ભાડાની વ્યવસ્થા કર્યા બાદ જ મકાનો ખાલી કરાવવા જાેઈએ તેવી તેમણે માંગ કરી હતી. અસરગ્રસ્તોએ ચેતવણી આપી હતી કે જાે પાલિકા તંત્ર વહેલી તકે પુન:વિકાસ અંગે ર્નિણય નહીં લે અને વૈકલ્પિક વ્યવસ્થા નહીં કરે તો આગામી દિવસોમાં આંદોલન વધુ ઉગ્ર બનાવવામાં આવશે.

