યુ.એન મહેતા હોસ્પીટલમાં ડ્રેનેજ લાઇન સાફ કરવા ઉતારેલા ૩ યુવકો સેફ્ટી વિના ડ્રેનેજમાં ફસાયા, ૧નુ મોત
શહેરના સિવિલ મેડિસિટી કેમ્પસ સ્થિત યુ.એન. મહેતા હોસ્પિટલમાંથી એક અત્યંત ગંભીર બેદરકારીની ઘટના સામે આવી છે. હોસ્પિટલના બેઝમેન્ટમાં આવેલી ડ્રેનેજ લાઈનની સફાઈ કરવા ઉતરેલા ત્રણ કોન્ટ્રાક્ટ કર્મચારીઓ સેફ્ટી સાધનોના અભાવે ગૂંગળામણના કારણે બેભાન થઈ ગયા હતા. આ દુર્ઘટનામાં સારવાર દરમિયાન એક યુવકનું મોત નીપજ્યું હોવાના આક્ષેપ સાથે હોસ્પિટલનો સમગ્ર હાઉસકીપિંગ સ્ટાફ દેખાવા સાથે હડતાળ પર ઉતરી ગયો છે.
આ મામલે મળતી માહિતી મુજબ, તારીખ ૬, જુલાઈના રોજ સાંજે યુ.એન. હોસ્પિટલના બેઝમેન્ટમાં ડ્રેનેજ લાઈનની સફાઈ કામગીરી ચાલી રહી હતી. આરોપ છે કે કોન્ટ્રાક્ટ પર કામ કરતા પ્રવીણ વાઘેલા, સાહિલ નાડિયા અને રોકી મેકવાન કોઈપણ પ્રકારના સેફ્ટી વિના જ ડ્રેનેજ લાઈનની અંદર ઉતારી દેવામાં આવ્યા હતા. સુરક્ષાના સાધનોના અભાવે ઝેરી ગેસના કારણે ગૂંગળામણ થતાં ત્રણ શ્રમિકો બેભાન થઈ ગયા હતા.
આ ઘટનાની જાણ થતાં જ અમદાવાદ ફાયર વિભાગની ટીમ તાત્કાલિક હોસ્પિટલ કેમ્પસ ખાતે દોડી આવી હતી. ફાયર ફાઈટરોએ ભારે જહેમત ઉઠાવીને ડ્રેનેજ લાઈનમાંથી ત્રણેય યુવકોને બેભાન અને ગંભીર હાલતમાં બહાર કાઢ્યા હતા. રેસ્ક્યુ કર્યા બાદ ત્રણેયને તાત્કાલિક સિવિલ હોસ્પિટલમાં જ સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા.
ડ્રેનેજ સફાઈ કામ સમયે બનેલ દુર્ઘટનાનો ભોગ બનેલા ત્રણ યુવકોમાંથી એકનું મોત થયું હોવાના અહેવાલો વહેતા થતાં જ હોસ્પિટલ કેમ્પસમાં તણાવપૂર્ણ માહોલ સર્જાયો છે. સાથી કર્મચારીઓએ આક્ષેપ કર્યો છે કે કોન્ટ્રાક્ટરે માત્ર નફાખોરી માટે ગરીબ શ્રમિકોને સુરક્ષા વિના મોત સમાન ખાડામાં ધકેલી દીધા.
ડ્રેનેજ સફાઈ સમયે કર્મચારીને કાયદા પ્રમાણે સુરક્ષાના સાધનો આપ્યા વિના જ મોતને મુખમાં ધકેલવાની આ બેદરકારીના વિરોધમાં હોસ્પિટલનો સમગ્ર હાઉસકીપિંગ સ્ટાફ હડતાળ પર ઉતરી ગયો છે. રોષે ભરાયેલા સ્ટાફે કોન્ટ્રાક્ટરની લાપરવાહી સામે ઉગ્ર વિરોધ નોંધાવીને જવાબદારો સામે કડક કાર્યવાહી અને યોગ્ય સુરક્ષા વ્યવસ્થાની માંગ સાથે કામગીરીનો બહિષ્કાર કર્યો છે.
હાલ હોસ્પિટલ તંત્ર અને પોલીસ દ્વારા મામલો થાળે પાડવા અને હડતાળ સમેટવા માટે વાટાઘાટોના પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે.

