જામનગર શહેરના ઠેબા ચોકડીથી મહાપ્રભુજીની બેઠક તરફ એક વેગેનઆર કારમાં દારૂનો જથ્થો પસાર થવાનો હોવાની બાતમી સિટી-એ ડિવિઝન સર્વલન્સ ટીમને મળી હતી. આ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને દારૂની હેરાફેરી કરી રહેલા એક દંપતીને ઝડપી પાડ્યું હતું.
પોલીસે GJ.06.EQ.2315 નંબરની સફેદ વેગેનઆર કારને આંતરીને તલાશી લીધી હતી. કારના ચોરખાનામાંથી રૂ. 56,400ની કિંમતની ઇંગ્લિશ દારૂની 108 બોટલ મળી આવી હતી. આ ઉપરાંત, રૂ. 10,000ની કિંમતના ત્રણ મોબાઇલ ફોન અને રૂ. 5 લાખની કિંમતની વેગેનઆર કાર પણ જપ્ત કરવામાં આવી હતી.

પોલીસે કુલ રૂ. 5,86,400નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ ગુનામાં વિનોદ નાનજીભાઈ દામા (ઉં.વ. 38) અને પ્રિયાબેન વિનોદ દામા (ઉં.વ. 37) નામના દંપતીની ધરપકડ કરવામાં આવી હતી. બંને જામનગરના દિગ્વિજય પ્લોટ-59, ડો. કટારીયાના દવાખાના નજીક રહે છે.
આ કામગીરી સિટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઈ વિપુલસિંહ ડોડીયાના માર્ગદર્શન હેઠળ સર્વલન્સ ટીમના વિજયભાઈ કાનાણી, યોગેન્દ્રસિંહ સોઢા અને રવિરાજસિંહ જાડેજા દ્વારા કરવામાં આવી હતી. પોલીસે દંપતીની વધુ પૂછપરછ હાથ ધરી છે.

