Gujarat

જામનગર જેલમાં 4 કેદીઓ ગેરકાયદે મોબાઇલ વાપરતા પકડાયા

જામનગર જિલ્લા જેલમાંથી ગેરકાયદેસર રીતે મોબાઈલ ફોનનો ઉપયોગ કરતા ચાર કેદીઓને સાયબર ક્રાઈમ પોલીસે ઝડપી પાડ્યા છે. જેલની તપાસ દરમિયાન એક બિનવારસી મોબાઈલ ફોન મળ્યા બાદ આ કાર્યવાહી કરવામાં આવી હતી. આ મામલે જામનગર સીટી-એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા (BNS) અને પ્રિઝન એક્ટ હેઠળ ગુનો નોંધાયો હતો.

રાજકોટ વિભાગના ડીઆઈજી નિર્લિપ્ત રાય અને જામનગર એસપી ડૉ. રવિ મોહન સૈનીના માર્ગદર્શન હેઠળ સાયબર ક્રાઈમની ટીમે તપાસ હાથ ધરી હતી. પીઆઈ આઈ.એ. ઘાસુરા અને પીએસઆઈ એચ.કે. ઝાલાની ટીમે આધુનિક ટેક્નિકલ એનાલિસિસ અને ઇલેક્ટ્રોનિક પુરાવાના આધારે ફોનનો ઉપયોગ કરનારા કેદીઓની ઓળખ કરી તેમને ઝડપી પાડ્યા હતા.

ઝડપાયેલા કેદીઓમાં જાફરઅલી ઉમરભાઈ બુચડ (ઉંમર 30, રહે. સચાણા), મોઈન ઉમર સફીયા (ઉંમર 26, રહે. ખાખીનગર), દિલીપ દિનેશ પરમાર (ઉંમર 25, રહે. ઈન્દિરા કોલોની) અને ઈમ્તીયાજ રહેમતુલ્લા મુંદ્દાક (ઉંમર 35, રહે. ધરારનગર-2) નો સમાવેશ થાય છે. સાયબર ક્રાઈમ પોલીસ હાલ આ ચારેય આરોપીઓની સઘન પૂછપરછ કરી રહી છે. આ ગુનામાં સંડોવાયેલા અન્ય શખ્સોને પકડવા માટે વધુ તપાસ ચાલુ છે.