જૂનાગઢ જિલ્લા પંચાયતમાં છેલ્લા ઘણા સમયથી અલગ-અલગ સમિતિના ચેરમેન પદ માટે ગૂંચવાયેલું રાજકીય કોકડું આખરે આંતરિક ખેંચતાણ બાદ ઉકેલાઈ ગયું છે. જિલ્લા પંચાયતની મળેલી સામાન્ય સભામાં ભારે ચર્ચા-વિચારણા અને લાંબા મંથનના અંતે કુલ 9 મહત્વની સમિતિના ચેરમેનની સત્તાવાર વરણી કરવામાં આવી છે. આ નવી નિમણૂકોમાં શિક્ષણ, જાહેર બાંધકામ, કારોબારી અને આરોગ્ય જેવી ચાવીરૂપ સમિતિઓનો સમાવેશ થાય છે.
આ વરણી સાથે જ જિલ્લા પંચાયતના ખોરંભે પડેલા વહીવટી માળખાને નવો વેગ મળશે, પરંતુ આ આખી ગોઠવણ પાછળ આગામી ચૂંટણીલક્ષી રાજકીય ગણિતો અને આંતરિક જૂથવાદ સ્પષ્ટપણે સપાટી પર જોવા મળી રહ્યા છે. આ વરણી પ્રક્રિયા દરમિયાન શાસક પક્ષના અગ્રણી સોનલ દિવરાણીયા સહિતના નેતાઓની ભૂમિકા પણ મહત્વની રહી હોવાની ચર્ચા છે.

MLA અરવિંદ લાડાણી જૂથના જિલ્લા પંચાયતના સભ્યોને પ્રાધાન્ય આ વખતની સમિતિઓની વરણીમાં માણાવદર, વંથલી અને મેંદરડા મત વિસ્તારના ધારાસભ્ય અરવિંદ લાડાણીના મતવિસ્તારમાંથી ચૂંટાઈને આવેલા જિલ્લા પંચાયતના સભ્યોને ભારે પ્રાધાન્ય આપવામાં આવ્યું હોવાનું સામે આવ્યું છે. અરવિંદ લાડાણીના પ્રભાવ હેઠળની સીટો પરથી જીતેલા હોદ્દેદારોને પંચાયતની સૌથી મહત્વની સમિતિના ચેરમેન પદ સોંપી દેવામાં આવ્યા છે, જેના કારણે જિલ્લાના સ્થાનિક રાજકારણમાં મોટો ગરમાવો આવી ગયો છે.
માણાવદર ધારાસભ્ય અરવિંદ લાડાણીના મત વિસ્તારમાં આવતા અને સાસણ સીટ પરથી ચૂંટાયેલા ચિરાગ જમનાદાસ રાજાણીને જાહેર આરોગ્ય સમિતિની મોટી જવાબદારી સોંપાઈ છે. તેવી જ રીતે કોયલાણા સીટ પરથી ચૂંટાયેલા જીગ્નેશ દિલિપ છૈયાને સિંચાઈ, સહકાર, ખેતિવાડી અને પશુપાલન સમિતિના ચેરમેન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

જીતેલા ઉમેદવારોમાં ક્યાંક આંતરિક અસંતોષની અટકળો તેજ બીજી તરફ શાપુર સીટ પરથી ચૂંટાયેલા ઇન્દુ ભરત ચાવડાને સામાજીક ન્યાય સમિતિના ચેરમેન પદની કમાન સોંપવામાં આવી છે. આ તમામ હોદ્દેદારો અરવિંદ લાડાણીના જૂથના અને તેમના પ્રભાવ વાળા વિસ્તારમાંથી આવતા હોવાથી પક્ષની અંદર જ અન્ય મતવિસ્તારની બેઠકો પરથી જીતેલા ઉમેદવારોમાં ક્યાંક આંતરિક અસંતોષની અટકળો તેજ થઈ છે. અન્ય મતવિસ્તારના સભ્યોને નાની સમિતિઓ આપીને સંતુલન જાળવવાનો નબળો પ્રયાસ કરાયો હોવાની ચર્ચા વચ્ચે આ નિમણૂકોથી સ્થાનિક સ્તરે જૂથવાદ વધુ વકરે તેવી સંભાવનાઓ રાજકીય વિશ્લેષકો જોઈ રહ્યા છે.

