Gujarat

મહેસાણા LCBએ ફિલ્મી ઢબે પીછો કરતા કાર ખાતરામાં ઉતરી

મહેસાણા એલ.સી.બી. પોલીસ સ્ટાફે રથયાત્રા અનુસંધાને જિલ્લામાં મિલ્કત સંબંધી ગુના બનતા અટકાવવા માટે હાથ ધરેલા પેટ્રોલિંગ દરમિયાન વડનગર-ખેરાલુ હાઇવે પરથી મોટી માત્રામાં વનસ્પતિજન્ય માદક પદાર્થ પોશ ડોડાનો જથ્થો ઝડપી પાડવામાં સફળતા મેળવી છે. પોલીસે ફિલ્મી ઢબે પીછો કરીને એક ટાટા સફારી ગાડી સહિત રાજસ્થાનના એક ઇસમને દબોચી લીધો છે. જ્યારે અન્ય એક આરોપી અંધારાનો લાભ લઇ ખેતરોની ઝાડીઓમાં નાસી છૂટવામાં સફળ રહ્યો હતો.

શંકાસ્પદ સફારી ગાડીએ પોલીસને જોઇ દોડાવી, ચોકડીમાં ખાબકી મહેસાણા એલ.સી.બી.ના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ.એમ.રાઠોડ અને તેમનો સ્ટાફ વડનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં વલાસણાથી વે વેઇટ હોટેલ ત્રણ રસ્તા તરફ આવતા હાઇવે રોડ ઉપર રેલવે ફાટક નજીક વાહન ચેકિંગમાં હતો. તે દરમિયાન વલાસણા તરફથી એક સફેદ કલરની ટાટા સફારી ગાડી નંબર GJ-27-DM-5469 શંકાસ્પદ હાલતમાં આવતી જણાઇ હતી.

પોલીસે ગાડીને રોકવા માટે ઇશારો કર્યો હતો, પરંતુ ચાલકે ગાડી ઊભી રાખવાને બદલે હંકારી મૂકી હતી. પોલીસે તુરંત જ સરકારી વાહનમાં તેનો પીછો કર્યો હતો. પોલીસને પાછળ આવતી જોઇ ગભરાયેલા ચાલકે ગાડી પરથી કાબૂ ગુમાવતા સફારી ગાડી રેલવે ફાટકથી થોડેક આગળ જઇ રોડ સાઇડની ચોકડીઓમાં ઉતરી ગઇ હતી અને આડી થઇ ગઇ હતી. આ અકસ્માત બાદ ચાલુ ગાડીમાંથી એક ઇસમ દરવાજો ખોલી ખેતરોની ઝાડીઓમાં નાસી ગયો હતો, જ્યારે ગાડીમાં હાજર બીજા ઇસમને પોલીસે કોર્ડન કરી ઝડપી લીધો હતો.

પોલીસે પકડેલા ઇસમની પૂછપરછ કરતા તેણે પોતાનું નામ જગદીશ બાબુલાલ મંડા (જાટ) (ઉં.વ. 27, રહે. ભુણીયા, જિ. બાડમેર, રાજસ્થાન) હોવાનું જણાવ્યું હતું. ગાડી રોડ સાઇડની ચોકડીઓમાં ખરાબ રીતે ફસાઇ ગયેલ હોઇ અને તેનું પાછળનું વ્હીલ તૂટી ગયેલ તેમજ આગળનું વ્હીલ પંચર હોવાથી તેને બહાર કાઢવા માટે ખેરાલુની ઓમ ક્રેન સર્વિસની મદદ લેવાઇ હતી. હાઇવે પર ટ્રાફિક અને સુરક્ષાના કારણોસર ગાડીને ક્રેન મારફતે નજીકના એક પતરાવાળા શેડ આગળ લાવીને પંચોની હાજરીમાં કાયદેસરની તપાસ હાથ ધરવામાં આવી હતી.