દેત્રોજ તાલુકાના કટોસણ રોડથી રણુંજ સુધીની ૬૩ કિલોમીટર લાંબી નવી બ્રોડગેજ રેલવે લાઇનનું કમિશનર ઓફ રેલવે સેફટી (CRS) દ્વારા મહત્વપૂર્ણ સલામતી નિરીક્ષણ સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવ્યું છે. આ નિરીક્ષણ દરમિયાન રેલવે ટ્રેક, સિગ્નલિંગ, સ્ટેશન સુવિધાઓ અને પુલોની ઝીણવટભરી ચકાસણી કરવામાં આવી હતી.
આ પ્રસંગે પશ્ચિમ રેલવે (અમદાવાદ મંડળ)ના DRM વેદ પ્રકાશ ગુપ્તા અને રેલ સંરક્ષા આયુક્ત ઈ. શ્રીનિવાસ સહિત રેલવે અને G-RIDEના વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. DRM વેદ પ્રકાશ ગુપ્તાએ જણાવ્યું હતું કે, 11થી 13 જુલાઈ દરમિયાન આ રૂટ પર 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે સ્પીડ ટ્રાયલ યોજાશે.
ટ્રાયલ સફળ રહ્યા બાદ અંતિમ મંજૂરી મળતાં જ બહુચરાજી, ચાણસ્મા અને રણુંજ સુધી નિયમિત પેસેન્જર ટ્રેન સેવા શરૂ કરાશે. જેનાથી અમદાવાદથી બહુચરાજી અને રણુંજ સુધી સીધી રેલવે કનેક્ટિવિટી મળશે. વેપાર-રોજગાર અને પ્રવાસનને મળશે વેગ આ નવો રેલખંડ શરૂ થવાથી મહેસાણા, પાટણ અને અમદાવાદ જિલ્લાના હજારો મુસાફરો, વિદ્યાર્થીઓ અને વેપારીઓને સીધો લાભ થશે.
વિશ્વવિખ્યાત શક્તિપીઠ બહુચરાજી માતાજીના દર્શનાર્થે આવતા લાખો શ્રદ્ધાળુઓ અને પ્રસિદ્ધ જૈન તીર્થ ભોયણી જતા યાત્રિકો માટે મુસાફરી સરળ બનશે. આ ઉપરાંત કૃષિ ઉત્પાદનના પરિવહન અને સ્થાનિક લઘુ ઉદ્યોગોને નવી ગતિ મળશે.

