Gujarat

વડોદરામાં મોંઘો મોબાઈલ ખરીદવા જીદે ચડ્યો

વડોદરાના ગોત્રી વિસ્તારમાં 17 વર્ષના કિશોરે મોંઘો મોબાઇલ અપાવવા અને મોબાઇલના અતિશય ઉપયોગને લઈને માતા અને બહેનો સાથે મારપીટ અને ઘરમાં તોડફોડ કરતાં પરેશાન માતાએ અભયમ મહિલા હેલ્પલાઇન-181ની મદદ માંગી હતી. અભયમની ટીમે કાઉન્સેલિંગ કરીને કિશોરને સમજાવતાં તેણે ભવિષ્યમાં મોબાઇલનો દુરુપયોગ નહીં કરી અભ્યાસ પર ધ્યાન આપવાની ખાતરી આપી હતી.

વડોદરાના ગોત્રી વિસ્તારમાં રહેતી એક મહિલાએ પોતાના 17 વર્ષના દીકરાના અતિશય ત્રાસથી કંટાળીને અભયમ મહિલા હેલ્પલાઇન-181નો સંપર્ક કર્યો હતો. અભયમની ટીમે સ્થળ પર પહોંચી મહિલા અને તેના પરિવારનું કાઉન્સેલિંગ કર્યું હતું. કાઉન્સેલિંગ દરમિયાન જાણવા મળ્યું હતું કે, વર્ષ 2013માં મહિલાના પતિનું અવસાન થયું હતું.

પતિના અવસાન બાદ સાસરી પક્ષ તરફથી બાળકોના ઉછેરમાં કોઈ સહયોગ મળ્યો નહોતો. મહિલાએ બે દીકરી અને એક દીકરાનો ઉછેર કરવા માટે લગભગ 10 વર્ષ સુધી પિયરમાં રહી ભારે મહેનત કરી હતી. કચરા-પોતા સહિતની મજૂરી કરીને બે દીકરીઓને ધોરણ-12 સુધી અભ્યાસ કરાવ્યો હતો. છેલ્લા ત્રણેક વર્ષથી પરિવાર ગોત્રી વિસ્તારમાં ભાડાના મકાનમાં રહે છે.

પરિવારની આર્થિક સ્થિતિ નબળી હોવાથી મોટી દીકરીએ પોતાનો અભ્યાસ અધૂરો છોડીને નોકરી શરૂ કરી હતી, જેથી ભાઈનો અભ્યાસ ચાલુ રહી શકે. દીકરો સારી રીતે ભણે અને ભવિષ્યમાં સારી નોકરી મેળવે તે આશાએ પરિવારે તેને અંદાજે રૂ. 18 હજારનો મોબાઇલ પણ ખરીદી આપ્યો હતો, પરંતુ મોબાઇલ મળ્યા બાદ કિશોર અભ્યાસને બદલે દિવસભર મોબાઇલમાં ‘ફ્રી ફાયર’ જેવી ઓનલાઈન ગેમ રમવામાં વ્યસ્ત રહેતો હતો.

આ ઉપરાંત અલગ-અલગ આઈડી બનાવી યુવતીઓ સાથે વાતચીત કરતો હતો. ગેમમાં હારી જતાં ગુસ્સે થઈ ઘરની વસ્તુઓમાં તોડફોડ કરવી, પોતાનો મોબાઇલ તોડી નાખવો તેમજ માતા અને બહેનો સાથે મારપીટ કરવી તેની રોજિંદી હરકત બની ગઈ હતી.