Gujarat

અમરેલી પોલીસે ખાંભામાં ગેરકાયદેસર હથિયારોની હેરાફેરી કરતો વ્યક્તિને દેશી બનાવટની પિસ્ટલ સાથે ઝડપી પાડ્યો

જિલ્લાના ખાંભામાં ગેરકાયદેસર હથિયારોની હેરાફેરીનો મોટો પર્દાફાશ પોલીસે કર્યો છે જેમાં પોલીસ ને મળેલી બાતમીના આધારે વોચ ગોઠવીને મધ્યપ્રદેશના મહમદ શેખ નામના શખ્સને એક દેશી બનાવટી પિસ્ટલ અને બે જીવતા કારતૂસ સાથે રંગેહાથ ઝડપી લીધો છે.

અમરેલીની ખાંભા પોલીસે ખાનગી બાતમીના આધારે વોચ દરમિયાન દેશી બનાવટની પિસ્ટલ સાથે મધ્યપ્રદેશના એક શખ્સને ઝડપી લીધો છે.

પોલીસના જણાવ્યા અનુસાર, ઝડપાયેલ આરોપીની ઓળખ મધ્યપ્રદેશ રાજ્યના મહમદ શેખ તરીકે થઈ છે. તેની પાસેથી એક દેશી બનાવટી પિસ્ટલ અને બે જીવતા કારતૂસ કબજે કરવામાં આવ્યા છે. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ હથિયાર ખાંભા પંથકમાં સપ્લાય કરવાનું હતું.

આ કેસમાં તપાસ દરમિયાન પોલીસને એવી માહિતી પણ મળી છે કે એક ચિઠ્ઠીમાં લખાયેલા નંબરના આધારે ગુરુગ્રામ (ગુડગાંવ) ખાતે રહેતા સંજીવકુમાર નામના વ્યક્તિ દ્વારા પિસ્ટલ મોકલવામાં આવી હતી. જાેકે, હથિયાર નિર્ધારિત વ્યક્તિ સુધી પહોંચે તે પહેલાં જ પોલીસે બાતમીના આધારે આરોપીને ઝડપી પાડીને સમગ્ર કાવતરું નિષ્ફળ બનાવ્યું હતું.

ખાંભા પોલીસે દેશી પિસ્ટલ, બે જીવતા કારતૂસ તેમજ અન્ય પુરાવા કબજે કરીને આરોપી સામે સંબંધિત કાયદાની જાેગવાઈઓ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. હવે પોલીસનું મુખ્ય ધ્યાન પિસ્ટલ મંગાવનાર વ્યક્તિ, હથિયાર સપ્લાય કરનાર તેમજ સમગ્ર નેટવર્ક સુધી પહોંચવાનું છે. આ દિશામાં વિવિધ રાજ્યો સાથે સંકલન કરી તપાસ આગળ વધારવામાં આવી રહી છે.

આ મામલે પોલીસ અધિકારીઓના જણાવ્યા મુજબ, આરોપીની પૂછપરછમાંથી વધુ મહત્વની માહિતી મળવાની શક્યતા છે. હથિયાર ક્યાં બનાવવામાં આવ્યું, કોણે મંગાવ્યું, કોના મારફતે પહોંચાડવાનું હતું અને અગાઉ પણ આવા હથિયારોની સપ્લાય થઈ છે કે નહીં તે સહિતના તમામ મુદ્દાઓની ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી રહી છે.

દેશી બનાવટી પિસ્ટલ અને જીવતા કારતૂસ સાથે આરોપીની ધરપકડ ખાંભા પોલીસ માટે મહત્વની સફળતા માનવામાં આવી રહી છે. સમયસરની કાર્યવાહીના કારણે ગેરકાયદેસર હથિયાર કોઈ અસામાજિક તત્વોના હાથમાં પહોંચે તે પહેલાં જ પોલીસે સમગ્ર ષડ્યંત્ર નિષ્ફળ બનાવ્યું છે.