ગુજરાતમાં ગુના આચરી અન્ય રાજ્યોમાં આશરો લેતા ફરાર આરોપીઓને પકડવા પોલીસ સક્રિય છે. રાજકોટ રેન્જ આઈ.જી. નિર્લિપ્ત રાયની સૂચના હેઠળ, રાજકોટ રેન્જ ટીમે જામનગરના ઘરફોડ ચોરીના ગુનામાં એક વર્ષથી નાસતા-ફરતા બે આરોપીઓને મધ્યપ્રદેશથી ઝડપી પાડ્યા છે. આ આરોપીઓ જામનગર જિલ્લાના પંચકોષી એ.ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલી ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલા હતા. તેઓ છેલ્લા એક વર્ષથી પોલીસને થાપ આપીને ફરાર હતા.
રાજકોટ રેન્જના પોલીસ ઇન્સ્પેક્ટર (PI) અપૂર્વ પટેલના માર્ગદર્શન હેઠળ સબ-ઇન્સ્પેક્ટર (PSI) પી.એન.મોરી, બી.સી.મીયાત્રા, સી.એમ.કાંટેલીયા અને સ્ટાફ દ્વારા હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ એનાલિસિસનો ઉપયોગ કરીને આરોપીઓને ટ્રેક કરવામાં આવ્યા હતા. આ દરમિયાન પોલીસ ટીમને આરોપીઓના ચોક્કસ લોકેશન અંગે મહત્વની માહિતી મળી હતી ચોક્કસ બાતમીના આધારે, રેન્જ સ્ટાફના PSI પી.એ.ચૌહાણ, સંદિપસિંહ ઝાલા, કાસમભાઇ બ્લોચ અને ડ્રાઇવર ધર્મેન્દ્રસિંહ જાડેજાની ટીમે મધ્યપ્રદેશમાં ઓપરેશન પાર પાડ્યું. પોલીસે મધ્યપ્રદેશના ધાર જિલ્લાના ગંધવાની પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી આરોપીઓની ધરપકડ કરી.

