પબજી કે ફ્રીફાયર રમતા યુવાનો હવે વડીલો માટે ટીકાપાત્ર નહીં રહે, તેઓ પણ ક્રિકેટર કે એથલીટની માફક રમતવીર બનશે અને સ્ટેટ, નેશનલ તથા ઇન્ટરનેશનલ ઇવેન્ટમાં મેડલ તથા પારિતોષિક જીતીને ખેલાડી જેટલી જ પ્રતિષ્ઠા ભોગવી શકશે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કોન્સેપ્ટ પરથી કેન્દ્ર સરકાર વિવિધ રાજ્યોમાં ઇ-સ્પોર્ટ્સ અને ગેમિંગને વિશેષ સ્તરે લઇ જશે અને તે માટે ડીજિટલ એન્ડ ઇ-સ્પોર્ટ મિશન શરૂ કરાશે. ગુજરાતને દેશના અગ્રણી ડિજિટલ સ્પોર્ટ્સ, ઇ-સ્પોર્ટ્સ અને યુથ ઇનોવેશન હબ તરીકે વિકસાવવા માટે “ગુજરાત ડિજિટલ સ્પોર્ટ્સ એન્ડ ઇ-સ્પોર્ટ્સ મિશન” શરૂ કરવાની દરખાસ્ત તૈયાર કરવામાં આવી છે.
રાજ્યના યુવાનોને ડિજિટલ યુગની નવી તકો સાથે જોડવાનો હેતુ ધરાવતા આ મિશન હેઠળ માત્ર ટુર્નામેન્ટ યોજવા પર નહીં, પરંતુ સમગ્ર ઇ-સ્પોર્ટ્સ ઇકોસિસ્ટમ ઉભું કરવા પર ભાર મૂકવામાં આવ્યો છે.
પ્રસ્તાવ અનુસાર અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટ જેવા શહેરોમાં પાલોટ ધોરણે 6 મહિનાનો કાર્યક્રમ શરૂ કરાશે તેમાં ઓનલાઈન ક્વોલિફાયર્સ, જિલ્લા સ્તરની સ્પર્ધાઓ, રાજ્યસ્તરીય ફાઈનલ્સ તેમજ પ્રતિભાશાળી ખેલાડીઓને તાલીમ આપતા કેમ્પનું આયોજન કરવામાં આવશે.
સાથે જ કોલેજ ઇ-સ્પોર્ટ્સ ક્લબ, કાસ્ટર અને ઓબ્ઝર્વર વર્કશોપ, મહિલા ખેલાડીઓ માટે વિશેષ ભાગીદારી કાર્યક્રમો, ગેમ ડેવલપમેન્ટ અને કન્ટેન્ટ ક્રિએટર વર્કશોપ જેવી પ્રવૃત્તિઓનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

