અમદાવાદના થલતેજ વિસ્તારમાં એક મહિલા વિઝા કન્સલ્ટન્ટ દ્વારા કેનેડાના વર્ક પરમિટ વિઝા અપાવવાના બહાને એક મહિલા સાથે ₹32.50 લાખની તોતિંગ છેતરપિંડી આચરવામાં આવી હોવાની ફરિયાદ બોડકદેવ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ છે. દીકરીને કેનેડા મોકલવા માટે પ્રોસેસિંગ ફી અને અન્ય ચાર્જના નામે લાખો રૂપિયા પડાવ્યા બાદ વિઝા માટે કોઈ અરજી જ ન કરાઈ હોવાનું બહાર આવતાં ભોગ બનનારે ન્યાય માટે પોલીસના દ્વાર ખખડાવ્યા છે.
નર્સિંગના આધારે વર્ક વિઝા અપાવવાની લાલચ આપી મળતી વિગતો મુજબ, મૂળ મહેસાણાના કડી તાલુકાના ઘુમાસણ ગામના રહેવાસી અને હાલ ઘાટલોડિયાની તરુણ શક્તિ સોસાયટીમાં રહેતા વર્ષાબેન પટેલે પોતાની દીકરી મિતવાને કેનેડા મોકલવા માટે વર્ષ 2023માં પ્રોસેસ શરૂ કરી હતી. ઘાટલોડિયા ખાતે મંદિરે દર્શન દરમિયાન એક સંબંધી મારફતે તેમને જાણ થઈ હતી કે થલતેજ વિસ્તારમાં આવેલા ‘શક્તિ એક્સટોલ’ ખાતે જીનલ પંચાલ અને આકાશ પંચાલની વિઝા કન્સલ્ટન્સીની ઓફિસ છે. વર્ષાબેને ત્યાં મુલાકાત લેતાં જીનલ પંચાલે જણાવ્યું હતું કે મિતવાએ નર્સિંગ કરેલું હોવાથી તેને સરળતાથી કેનેડાના વર્ક વિઝા મળી જશે અને તેના પેટે કુલ ₹37 લાખનો ખર્ચ થશે.
વિઝા મંજૂર થયાનો ખોટો વીડિયો બતાવી લાખો રૂપિયા પડાવ્યા કન્સલ્ટન્ટની વાતોમાં આવી જઈને વર્ષાબેને મિતવાના ડોક્યુમેન્ટ્સ જમા કરાવ્યા હતા. ત્યારબાદ જીનલ પંચાલે પ્રોસેસિંગ ફી અને LMIA (લેબર માર્કેટ ઈમ્પેક્ટ એસેસમેન્ટ)ના એડવાન્સ પેટે ₹12.50 લાખ પડાવ્યા હતા. ઠગબાજ કન્સલ્ટન્ટે વિશ્વાસ જીતવા માટે વિઝા થઈ ગયા હોવાનો એક ફેક વીડિયો પણ મોકલ્યો હતો.
ત્યારબાદ ‘મોંઘવારી વધી જવાથી વિઝા ફી વધી ગઈ છે’ તેમ કહી કુલ ખર્ચ ₹39 લાખ થશે તેમ જણાવી વધુ ₹6 લાખ પડાવી લીધા હતા. બાદમાં TPR (ટેમ્પરરી રેસિડેન્ટ) લેટર આવી ગયો હોવાનું બહાનું બતાવી પાસપોર્ટ પણ જમા કરાવી લીધો હતો.
પાસપોર્ટ પરત આવતા ભાંડો ફૂટ્યો, આપેલો ચેક પણ બાઉન્સ થયો આશરે દોઢ મહિના બાદ મિતવાનો પાસપોર્ટ પરત આવ્યો ત્યારે તેની સાથે આવેલા સત્તાવાર પત્રમાં સ્પષ્ટ લખ્યું હતું કે, “તમારી કેનેડા ખાતેની વર્ક વિઝા માટેની કોઈ અરજી જ કરવામાં આવી નથી.” આ બાબતે વર્ષાબેને જીનલબેન પાસે ખુલાસો માંગતા તેમણે અન્ય લોકોને પણ આવી સમસ્યા થઈ હોવાનું કહી ગોળ-ગોળ જવાબો આપ્યા હતા. છેવટે વર્ષાબેને પોતાના પૈસા પરત માંગતા જીનલે એક ચેક લખી આપ્યો હતો, પરંતુ તે ચેક પણ બેંકમાં બાઉન્સ થયો હતો.

