Gujarat

૧૪૯મી ભગવાન જગ્ગનાથજી રથયાત્રા પૂર્વે અમદાવાદમાં જાેવા મળી કોમી એકતાની મિશાલ

રથયાત્રા પહેલા મુસ્લિમ સમાજે જગન્નાથ મંદિર જઈને અર્પણ કર્યો સોનાવરખી ચાંદીનો રથ

આવનારી તા. ૧૬ જુલાઈએ યોજાનારી ભગવાન જગન્નાથજીની ૧૪૯મી રથયાત્રાની તૈયારીઓ જાેરશોરથી ચાલી રહી છે ત્યારે અમદાવાદ શહેરમાં કોમી એકતા અને સૌહાર્દનો એક અદ્ભુત નમૂનો સામે આવ્યો છે. રથયાત્રા એ પોતે જ સમગ્ર સમાજને એક સૂત્રમાં બાંધતું પર્વ છે, અને આ વર્ષે પણ હિંદુ-મુસ્લિમ સમાજ તથા પોલીસ વહીવટીતંત્ર દ્વારા સુમેળ જળવાઈ રહે તે માટે તમામ જરૂરી પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ પૃષ્ઠભૂમિમાં અમદાવાદના જાણીતા સામાજિક કાર્યકર રઉફ બંગાળીએ જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ (દિલદારજી મહારાજ)ને ચાંદીનો અતિ સુંદર રથ અર્પણ કરીને ભાઈચારાની ભાવનાને વધુ મજબૂત બનાવી છે.

વર્ષ ૨૦૦૨ પછી શરૂ થયેલી અનેરી પરંપરા

રથ અર્પણ કરતાં રઉફ બંગાળીએ જણાવ્યું હતું કે, “દર વર્ષની માફક આ વર્ષે પણ મુસ્લિમ સમાજ તરફથી દિલીપદાસજી મહારાજને ચાંદીનો રથ આપવામાં આવ્યો છે. વર્ષ ૨૦૦૨માં ગુજરાતમાં થયેલા કમનસીબ રમખાણ પછી કોમી એકતા જળવાઈ રહે અને બે સમાજ વચ્ચેનું અંતર ઓછું થાય તે શુભ હેતુથી અમે આ સેવા શરૂ કરી હતી.”

તેમણે ઉમેર્યું કે આજે આ પરંપરાને ૨૩ વર્ષથી વધુ સમય થઈ ગયો છે અને તે દર વર્ષે મોટા ભાવ સાથે નિભાવવામાં આવે છે. રઉફ બંગાળીનું કહેવું છે કે, “આ કોઈ સામાન્ય ભેટ નથી, પરંતુ એકતાનું રથ છે, જે સમાજને જાેડવાનું કામ કરે છે.”

૩૦૦ ગ્રામ ચાંદીમાં દેશભક્તિ અને કારીગરીનો સંગમ

આ વર્ષનો રથ ખાસ આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. રઉફ બંગાળીએ વિગતો આપતા જણાવ્યું કે, “આ રથ આશરે ૩૦૦ ગ્રામ ચાંદીનો બનેલો છે અને પહેલી વખત તેના પર ૫ ગ્રામ સોનાના બારાક્ષ (સોનેરી વરખ) ચડાવવામાં આવ્યા છે.” રથમાં ત્રણ સુંદર ઘોડા કોતરવામાં આવ્યા છે અને આખી ડિઝાઇનને ખૂબ જ કલાત્મક રીતે તૈયાર કરવામાં આવી છે.

ચાંદીની ચમક પર સોનાનો વરખ ધાર્મિક અને સાંસ્કૃતિક મહત્વને સાકાર કરે છે. તેમણે ખુશી વ્યક્ત કરતાં કહ્યું કે “આવતા વર્ષે રથયાત્રાનો ૧૫૦મો સ્થાપના મહોત્સવ છે, જેને લઈને અમે કંઈક અનોખો અને યાદગાર રથ અર્પણ કરવાનું વિચારી રહ્યા છીએ, જે સમગ્ર સમાજ માટે પ્રેરણારૂપ બનશે.”

સોમવારે સવારે જમાલપુર વિસ્તારમાં આવેલ જગન્નાથ મંદિરના મહંત દિલીપદાસજી મહારાજે ચાંદીનો રથ સ્વીકારતા જણાવ્યું હતું કે, “ભગવાન જગન્નાથજીની ૧૪૯મી રથયાત્રા નિમિત્તે મુસ્લિમ સમાજ તરફથી અમને ચાંદીનો રથ અર્પણ કરવામાં આવ્યો છે. ભાઈચારો અને કોમી એકતા જળવાઈ રહે એ માટે એકતા સમિતિ સાતત્યપૂર્ણ કામગીરી કરી રહી છે.” તેમણે ઉમેર્યું કે દર વર્ષની જેમ પરંપરાગત રીતે આખી રથયાત્રા શાંતિ અને સૌહાર્દ સાથે પૂર્ણ થશે. રથયાત્રાના રૂટ પર પોલીસ દ્વારા ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે અને તમામ સમુદાયના લોકો આવનારા પર્વને હર્ષોલ્લાસ સાથે આવકારવા તૈયાર છે. રઉફ બંગાળીની આ પહેલ દર વર્ષની માફક સાબિત કરે છે કે અમદાવાદની ઓળખ માત્ર વિકાસમાં જ નહીં, પણ સંપ્રદાયિક સદભાવમાં પણ અનેરી છે.