જામનગર નજીક આવેલા દરેડ જીઆઈડીસી વિસ્તારના ઉદ્યોગકારોએ લાંબા સમયથી યથાવત રહેલી વીજ સમસ્યાના ઉકેલ માટે પીજીવીસીએલના અધિક્ષક ઇજનેરને આવેદનપત્ર પાઠવ્યું છે. ઉદ્યોગકારોએ સાત દિવસમાં કાર્યવાહી નહીં થાય તો ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવાની ચીમકી ઉચ્ચારી છે.
ઉદ્યોગકારોના જણાવ્યા મુજબ, દરેડ જીઆઈડીસી વિસ્તારમાં આવેલી શ્યામ વિહાર તથા સિદ્ધનાથ સોસાયટી તરફ જતી વીજ લાઇનોના તાર અત્યંત ઢીલા અને જર્જરિત હાલતમાં છે. સામાન્ય પવન ફૂંકાય ત્યારે પણ તાર એકબીજાને અથડાતા શોર્ટ સર્કિટ સર્જાય છે અને વારંવાર વીજ પુરવઠો ખોરવાય છે. આના કારણે ઉત્પાદન પ્રક્રિયા અટકી જાય છે અને ઉદ્યોગોને ભારે આર્થિક નુકસાન વેઠવું પડે છે.
ઉદ્યોગકારોએ વધુમાં જણાવ્યું હતું કે, આ અંગે અગાઉ પણ સ્થાનિક પીજીવીસીએલ કચેરીમાં અનેક વખત લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી હતી. તે સમયે અધિકારીઓએ વહેલી તકે કામગીરી કરવાની ખાતરી આપી હતી, પરંતુ આજદિન સુધી સમસ્યાનો કોઈ કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી.

આથી, ઉદ્યોગકારોએ અધિક્ષક ઇજનેરને રજૂઆત કરીને સાત દિવસની અંદર જર્જરિત વીજ લાઇનનું સમારકામ તથા જરૂરી કામગીરી હાથ ધરવાની માંગ કરી છે. સાથે જ ચેતવણી આપવામાં આવી છે કે જો નિર્ધારિત સમયમર્યાદામાં યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો ગ્રાહક સુરક્ષા ફોરમ, વીજ લોકપાલ તેમજ અન્ય સક્ષમ સત્તાધિકારીઓ સમક્ષ રજૂઆત કરવામાં આવશે.

