શહેરના ઈસનપુર વિસ્તારમાં વર્ષ 2022 માં બનેલા બનેલા એસિડ એટેક કેસમાં સિટી સેશન્સ કોર્ટે ચુકાદો આપ્યો છે. કોર્ટે પાડોશમાં રહેતી 59 વર્ષીય મહિલા પર એસિડ ફેંકી જીવલેણ હુમલો કરવાના ગુનામાં 64 વર્ષીય વૃદ્ધા મુકેશાબહેન સિંગલાને દોષિત ઠેરવી 10 વર્ષની સખ્ત કેદની સજા ફટકારી છે.
ભોગ બનનાર મહિલાને 3 લાખનું વળતર ચૂકવવાનો આદેશ કોર્ટે નોંધ્યું હતું કે એસિડ હુમલાના કારણે ભોગ બનનાર મહિલાની આંખની દૃષ્ટિ ઓછી થઈ ગઈ હતી અને તેમને ગંભીર શારીરિક-માનસિક ક્ષતિ પહોંચી હતી. કોર્ટે માનવતાવાદી અભિગમ અપનાવીને વિક્ટિમ કોમ્પેન્સેશન સ્કીમ હેઠળ ભોગ બનનાર મહિલાને 3 લાખનું વળતર ચૂકવવાનો આદેશ કર્યો છે. આ ઉપરાંત આરોપી પાસેથી વસૂલવામાં આવનારી દંડની રકમ પણ પીડિતાને જ આપવાનો હુકમ કરાયો છે.
ખાંડની વાટકી પરત લેવાના બહાને ઘરે આવ્યા હતા આ બનાવ 30 સપ્ટેમ્બર, 2022 ના રોજ સવારે ઈસનપુરના કર્ણાવતી એપાર્ટમેન્ટમાં બન્યો હતો. 59 વર્ષીય ભોગ બનેલી મહિલા પોતાના ઘરમાં એકલા હતા, ત્યારે સામે રહેતા આરોપી મુકેશાબેન સિંગલા ખાંડની વાટકી પરત લેવાના બહાને તેમના ઘરે આવ્યા હતા.
ત્યારબાદ તેમણે મહિલાની સોનાની ચેઈનની ડિઝાઇન જોવાની અને મોબાઈલમાં ફોટો પાડવાની ઈચ્છા વ્યક્ત કરી હતી. ભોગ બનનાર મહિલા જ્યારે ચેઈન બતાવીને તેને પરત તિજોરીમાં મૂકવા જઈ રહ્યા હતા, ત્યારે આરોપી મુકેશાબેને પાછળથી તેમના માથા અને આંખો પર જ્વલનશીલ પ્રવાહી નાખી દીધો હતો.
બેડ પર ધક્કો મારી દીધો અને ગળું દબાવી ફેંટો મારી હતી એસિડ પડતાં જ ભોગ બનનારે બૂમાબૂમ કરી મૂકી હતી. જેથી આરોપીએ તેમને બેડ પર ધક્કો મારી દીધો હતો, ગળું દબાવી ફેંટો મારી હતી અને ઝપાઝપીમાં સોનાની ચેઈન તોડી નાખી હતી. બૂમો સાંભળીને પડોશીઓ તેમજ પીડિતાના દીકરી-જમાઈ દોડી આવતા આરોપી મુકેશાબેન ભાગી ગયા હતા. આ મામલે ઈસનપુર પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરી હતી.

