Gujarat

પાટણ સાયબર ફ્રોડ કેસમાં આરોપી વિશાલની જામીન અરજી નામંજૂર

પાટણ સેશન્સ કોર્ટે સાયબર ફ્રોડ કેસમાં આરોપી વિશાલ રાવળની નિયમિત જામીન અરજી નામંજૂર કરી છે. આરોપીએ કમિશન મેળવીને પોતાના નામે બેંક ખાતાઓ ખોલાવી સાયબર ગુનેગારોને પૂરા પાડ્યા હતા. અદાલતે ગુનાની ગંભીરતા અને દેશવ્યાપી નેટવર્કને ધ્યાને રાખી આરોપીને જામીન પર મુક્ત કરવાનો ઇનકાર કર્યો હતો.

21 જૂને ધરપડક કરવામાં આવી આ કેસ પાટણ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ડિજિટલ ફ્રોડ અને ગુનાહિત કાવતરા હેઠળ નોંધાયો હતો. આરોપી વિશાલ રાવળ (ઉં.વ. 21, રહે. ખામીયાણા, તા. પાટણ)ની 21 જૂન, 2026ના રોજ ધરપકડ કરવામાં આવી હતી અને ત્યારથી તે જ્યુડિશિયલ કસ્ટડીમાં છે. તેની જામીન અરજી નીચલી કોર્ટે નામંજૂર કર્યા બાદ સેશન્સ કોર્ટમાં અપીલ કરવામાં આવી હતી.

વિશાલના બેન્ક ખાતાનો સાયબર ફ્રોડમાં ઉપયોગ : સરકારી વકીલ સરકાર પક્ષે જિલ્લા સરકારી વકીલ એસ.એચ. ઠક્કરે જામીન અરજીનો સખત વિરોધ કર્યો હતો. તેમણે દલીલ કરી હતી કે, કમિશન મેળવીને પોતાના બેંક ખાતાઓ અન્ય સાયબર ગુનેગારોને વાપરવા આપવાના ગુનાઓ ચિંતાજનક રીતે વધી રહ્યા છે. આરોપી વિશાલે મોટા કમિશનની લાલચે પોતાનું ખાતું અન્ય આરોપીને વાપરવા આપ્યું હતું. આ બેંક ખાતા વિરુદ્ધ દેશના અલગ-અલગ રાજ્યોમાંથી અનેક અરજીઓ અને ફરિયાદો નોંધાઈ છે. તપાસ હજુ ચાલુ હોવાથી આરોપીની હાજરી અનિવાર્ય છે અને તે જામીન પર મુક્ત થતાં નાસી છૂટે તેવી શક્યતા છે, તેવી રજૂઆત કરવામાં આવી હતી.