સુરત મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાઓમાં નવા શૈક્ષણિક સત્રના પ્રારંભ સાથે જ વહીવટી તંત્ર દ્વારા ઓનલાઇન હાજરી પ્રણાલીનો અત્યંત કડક અમલ શરૂ કરવામાં આવ્યો છે. સ્માર્ટ સિટી સુરતમાં શિક્ષણના સ્તરને વધુ પારદર્શક અને ડિજિટલ બનાવવા માટે રાજ્ય સરકારના આદેશ અનુસાર ટેકનોલોજીનો ઉપયોગ વધારાયો છે.
જોકે, આ નવી કડક સિસ્ટમના પ્રથમ મહિનામાં જ શિક્ષણ સમિતિ હરકતમાં આવી ગઈ છે. નવી ઓનલાઇન એટેન્ડન્સ સિસ્ટમ અંતર્ગત નિયમિત હાજરી ન નોંધાવનારા આશરે 550થી વધુ શિક્ષકોને તંત્ર દ્વારા સત્તાવાર રીતે કારણદર્શક નોટિસ ફટકારવામાં આવતા સમગ્ર સુરતના શિક્ષક આલમ અને શૈક્ષણિક વર્તુળોમાં ભારે ચર્ચા અને ફફડાટ વ્યાપી ગયો છે.
8 જૂનથી 9 જુલાઈ સુધીની હાજરી ગાયબ, વહીવટી તંત્રએ માગી લેખિત સ્પષ્ટતા ગત 8 જૂન, 2026થી 9 જુલાઈ, 2026 દરમિયાનના એક મહિનાના સમયગાળામાં ઓનલાઇન પોર્ટલ પર જે શિક્ષકોની એક કે તેથી વધુ દિવસની હાજરી નોંધાઈ ન હતી, તે તમામની યાદી તૈયાર કરવામાં આવી હતી. આ સમયગાળા દરમિયાન કુલ 558 જેટલા શિક્ષકો ઓનલાઇન સિસ્ટમમાં ગેરહાજર અથવા તેમની હાજરી અધૂરી જોવા મળી હતી.
આ બાબતને ગંભીરતાથી લઈને ઇન્ચાર્જ શાસનાધિકારી દ્વારા તાકીદે તમામ 558 શિક્ષકોને પત્ર લખીને લેખિત ખુલાસો રજૂ કરવા માટે કડક આદેશ કરવામાં આવ્યો છે. તંત્ર દ્વારા શિક્ષકોને પોતાની સ્થિતિ સ્પષ્ટ કરવા માટે માત્ર એક જ દિવસનો ટૂંકો સમય આપવામાં આવ્યો હતો, જેથી વહીવટી કામગીરી ઝડપથી આટોપી શકાય.

