સુરત જિલ્લામાં થોડા દિવસના વિરામ બાદ મેઘરાજાએ ફરીથી પધરામણી કરી છે. જિલ્લાના વિવિધ વિસ્તારોમાં આજે વહેલી સવારથી જ કાળા ડિબાંગ વાદળો ઘેરાયા હતા અને વરસાદ શરૂ થયો હતો. આ વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.
મળતી માહિતી મુજબ, માંગરોળ, ઉમરપાડા, કામરેજ, ઓલપાડ અને બારડોલી સહિતના તાલુકાઓમાં સારો એવો વરસાદ નોંધાયો છે. આ વરસાદ ખેડૂતો માટે જીવનદાયી સાબિત થયો છે, જેનાથી પાકને ફાયદો થવાની આશા છે.
સૌથી વધુ અસર કામરેજ વિસ્તારમાં જોવા મળી હતી. અહીં ભારે વરસાદને પગલે નેશનલ હાઈવે-48 પર આવેલ સર્વિસ રોડ ફરી એકવાર પાણીમાં ગરકાવ થઈ ગયો હતો. ખાસ કરીને અઝીમ હોસ્પિટલ નજીકના વિસ્તારમાં રોડ પર પાણી ભરાઈ ગયા હતા. જેના કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. પાણી ભરાવાને કારણે વાહનોની લાંબી કતારો લાગી હતી અને ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ હતી.

