પાંચ રાજ્યમાં એવિએશન નેટવર્ક ધરાવતી પ્રતિષ્ઠિત ઇન્ડિયા વન એર પ્રાઇવેટ લિમીટેડ કંપનીમાં મસમોટી ઠગાઈનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. કંપનીના જ ફાઇનાન્સ એન્ડ એકાઉન્ટ્સ મેનેજરે સત્તાનો દુરુપયોગ કરી ઓઇલ કંપનીઓ અને વેન્ડરોના બિલોમાં છેડછાડ કરીને ₹ 75,11,034ની હેરફેર કરવામાં આવતા સરખેજ-ગાંધીનગર હાઈવે પરના અદાણી શાંતિગ્રામમાં આવેલી કોર્પોરેટ કંપનીના CEO પ્રેમકુમાર ગર્ગ દ્વારા અડાલજ પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરાવવામાં આવ્યો છે.
હિતેન્દ્ર મકવાણા કંપનીમાં એક્ઝી. એકાઉન્ટન્ટ તરીકે લાગ્યો હતો અદાણી શાંતિગ્રામ સ્થિત ઇન્ડિયા વન એર પ્રા.લિમીટેડ કંપનીના CEO પ્રેમકુમાર પ્રિતિચંદ્ર ગર્ગની ફરિયાદ મુજબ, આ કંપની પાંચ જુદા-જુદા રાજ્યોમાં વિમાન સેવા આપે છે. આ કંપનીમાં હિતેન્દ્ર કિશોરભાઈ મકવાણા (રહે. ગોપાલનગર, સરખેજ)ને ફેબ્રુઆરી 2023માં એકાઉન્ટ એક્ઝીક્યુટીવ તરીકે એપોઇન્ટ કર્યો હતો. જેને ઓક્ટોબર 2023માં મેનેજર ફાયનાન્સ એન્ડ એકાઉન્ટ્સ તરીકે નિમણૂક આપવામાં આવી હતી.
હિતેન્દ્રએ નોકરીએ આવવાનું બંધ કરી દીધું આ પદ પર તેને કંપનીના તમામ ફાયનાન્સ સંભાળવાની અને દરેક ખર્ચ માટેના બિલ મંજૂર કરવાની સંપૂર્ણ સત્તા આપવામાં આવી હતી. જોકે વર્ષ 2025ની શરૂઆતથી જ હિતેન્દ્રએ કંપનીમાં અવારનવાર ગેરહાજર રહેવાનું શરૂ કર્યું હતું. કંપનીએ તેની નીચે આસિસ્ટન્ટ મેનેજર તરીકે કુંજેશ ઠક્કરની નિમણૂક કરી ત્યારે હિતેન્દ્રએ માત્ર એક જ દિવસ હાજર રહી પ્રાથમિક માહિતી આપી હતી. ત્યારબાદ નોકરી પર આવવાનું સંપૂર્ણપણે બંધ કરી દીધું હતું.
ઈન્ટરનલ ઓડિટમાં ખુલાસો, બોગસ બિલ બનાવતો જોકે હિતેન્દ્ર સતત ગેરહાજર રહેતા અને કંપનીના વારંવારના મેઇલનો જવાબ ન આપતા આખરે કંપની દ્વારા ઇન્ટરનલ ઓડિટ શરૂ કરવામાં આવ્યું હતું. કંપનીના આસિસ્ટન્ટ મેનેજર કુંજેશ ઠક્કર અને અન્ય એક કર્મચારી સુમિતકુમાર વર્માએ જ્યારે બેંક એન્ટ્રીઓ બારીકાઈથી તપાસી ત્યારે ચોંકાવનારી વિગતો બહાર આવી હતી. જેમાં હિતેન્દ્ર ઓઇલ કંપનીઓ અને વેન્ડરોના પેમેન્ટના અસલી બિલ સિવાયના વધારાના નાણાના બોગસ બિલો બનાવતો હતો.

