Gujarat

પાટનગરમાં સગીરો-યુવાનોને નશાના ખપ્પરમાં હોમાતા બચાવવા નિર્ણય, રોલિંગ પેપર અને સ્મોકિંગ કોનના વેચાણ-હેરફેર પર પ્રતિબંધ

ગાંધીનગરમાં યુવાધનને નશાના ભયાનક દૂષણ તરફ ધકેલાતું અટકાવવા માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એક અત્યંત પ્રશંસનીય અને કડક નિર્ણય લેવામાં આવ્યો છે. સગીરો અને યુવાનોમાં ચરસ તેમજ ગાંજા જેવા વનસ્પતિજન્ય નશીલા પદાર્થોના સેવનની વધતી જતી કુટેવને જડમૂળથી ડામવા માટે ગાંધીનગરના ઇન્ચાર્જ જિલ્લા મેજિસ્ટ્રેટ જે.એસ. પ્રજાપતિ દ્વારા એક વિશેષ જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ આદેશ અનુસાર સમગ્ર જિલ્લામાં રોલિંગ પેપર અને સ્મોકિંગ કોનના સંગ્રહ, વેચાણ તેમજ હેરફેર પર તાત્કાલિક અસરથી સદંતર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે.

રોલિંગ પેપર કાગળ નહીં પણ ‘ડ્રગ્સનું સાધન’ છે વહીવટી તંત્ર દ્વારા લેવાયેલા આ ઐતિહાસિક પ્રતિબંધ પાછળ રાજ્યના ફોરેન્સિક સાયન્સ નિયામક (FSL) નો સત્તાવાર અને વૈજ્ઞાનિક અભિપ્રાય મુખ્ય આધાર બન્યો છે.

FSL ના વૈજ્ઞાનિક અહેવાલ અનુસાર, બજારમાં મળતા આ રોલિંગ પેપર અને કોન એ માત્ર સામાન્ય કાગળ નથી, પરંતુ તે ટેકનિકલી ‘ડ્રગ પેરાફર્નાલિયા’ (નશા માટે વપરાતા સાધનો) તરીકે કામ કરે છે. તેના ઉપયોગથી નશીલા દ્રવ્યો માનવ શરીરમાં ખૂબ જ ઝડપથી શોષાઈ જાય છે, જેના કારણે યુવાનોમાં ડ્રગ્સ પરની નિર્ભરતા (એડિક્શન) ચિંતાજનક રીતે વધી જાય છે.

ઓવરડોઝ અને ફેફસાં-હૃદય ફેઈલ થવાનું મોટું જોખમ વૈજ્ઞાનિકોના મતે, આ પેપરના માધ્યમથી ડ્રગ્સ લેવાથી અચાનક ‘ડ્રગ્સ ઓવરડોઝ’ થવાની ગંભીર સંભાવના રહેલી છે, જે જીવલેણ સાબિત થઈ શકે છે. વધુમાં, જ્યારે આ વિશેષ પેપર કેમિકલયુક્ત ડ્રગ્સ સાથે બળે છે, ત્યારે તેમાંથી પેદા થતો ટાર, કાર્બન મોનોક્સાઇડ અને અન્ય અત્યંત ઝેરી વાયુઓ સીધા શ્વાસમાં જાય છે. આ ધુમાડો માનવ ફેફસાંને કાયમી નુકસાન પહોંચાડે છે તેમજ હૃદય સંબંધિત કાર્ડિયોવેસ્ક્યુલર સિસ્ટમને બ્લોક કરીને હાર્ટ એટેકનું જોખમ ઊભું કરે છે.