Gujarat

સાબરમતી નદી પ્રદૂષણ મુદ્દે હાઇકોર્ટમાં સુનાવણી

સાબરમતી નદીના પ્રદૂષણ મામલે થયેલી સુઓમોટો અરજી પર ગુજરાત હાઇકોર્ટમાં એક મહત્વની સુનાવણી હાથ ધરવામાં આવી હતી. સુનાવણી દરમિયાન હાઇકોર્ટે નદીમાં ઠલવાતા કેમિકલયુક્ત પાણી અને ભવિષ્યના સુએજ પ્લાનિંગને લઈને તંત્રની આકરી ઝાટકણી કાઢી હતી. કોર્ટે મેગા પાઇપલાઇન ઓથોરિટી અને ધોળકા નગરપાલિકાને આડે હાથ લઈ કેટલાક વેધક સવાલો પૂછ્યા હતા.

ત્રણ CETP દ્વારા મર્યાદા કરતાં વધુ પ્રદૂષણ: કોર્ટ મિત્ર સુનાવણી દરમિયાન કોર્ટ મિત્ર દ્વારા હાઇકોર્ટ સમક્ષ એક ચોંકાવનારો રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો. જેમાં જણાવાયું હતું કે, શહેરના ત્રણ પ્રમુખ કોમન એફ્લુઅન્ટ ટ્રીટમેન્ટ પ્લાન્ટ (CETP) દ્વારા નિયમોનું સરેઆમ ઉલ્લંઘન થઈ રહ્યું છે.

  • ગ્રીન એન્વાયરન્મેન્ટ સર્વિસિસ કો-ઓપ-સોસાયટી લિ. (વટવા)
  • વટવા વેપારી મહામંડળ
  • ઓઢવ ગ્રીન એન્વાયરો પ્રોજેક્ટ

આ ત્રણેય પ્લાન્ટ દ્વારા નિર્ધારિત માત્રા કરતાં વધુ પ્રદૂષિત પાણી મેગા પાઇપલાઇનમાં છોડવામાં આવી રહ્યું છે. આ બાબતે હાઇકોર્ટે મેગા પાઇપલાઇનના સત્તાધીશોને સવાલ કર્યો હતો કે, “CETP નિયમ કરતાં વધુ પ્રદૂષિત પાણી ન છોડે તે માટે તમારી પાસે ચકાસણીની શું વ્યવસ્થા છે? અને આ મામલે અત્યાર સુધી શું પગલાં લેવાયા છે?”