કચ્છ જિલ્લાના ગાંધીધામમાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે, જેમાં મૂળ નેપાળની વતની એવી એક યુવતીને ગાંધીધામના જ એક વિધર્મી યુવકે પોતાના પ્રેમની જાળમાં ફસાવી હતી. ત્યારબાદ પ્રેમલગ્ન કરીને આ માસૂમ નેપાળી દીકરીને પત્ની તરીકે સાથે રાખ્યા બાદ, ઘાતકી પતિએ તેણીની ર્નિમમ હત્યા કરી નાખી હોવાની ઘટના પ્રકાશમાં આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે.
આ ઘટનામાં ભોગ બનનાર નેપાળી યુવતી લગ્ન બાદ તેના વિધર્મી પતિ સાથે ગાંધીધામમાં જ રહેતી હતી. જાેકે, લગ્નના થોડા જ સમય બાદ પતિનો અસલી ચહેરો સામે આવ્યો હતો. આરોપી પતિ પત્ની પર લાંબા સમયથી અમાનુષી શારીરિક અને માનસિક અત્યાચાર ગુજારી રહ્યો હતો. ઘરગથ્થુ હિંસા અને સતત ટોર્ચરનો ભોગ બનેલી આ પરપ્રાંતીય યુવતીનો અંતે પતિએ જ ક્રૂરતાપૂર્વક જીવ લઈ લીધો હતો.
આ ચકચારી હત્યાકાંડની જાણ થતાં જ ગાંધીધામ એ-ડિવિઝન પોલીસ મથકનો ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને કાયદાકીય કાર્યવાહી શરૂ કરી છે. હત્યાના આ ગંભીર કેસમાં ત્વરિત એક્શન લેતા એ-ડિવિઝન પોલીસે આરોપી વિધર્મી પતિની સત્તાવાર અટકાયત (ધરપકડ) કરી લીધી છે. પોલીસે હત્યા અને લવ જેહાદના એન્ગલ સહિતની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધીને આ ગુનામાં અન્ય કોઈની સંડોવણી છે કે કેમ તે દિશામાં સઘન તપાસ હાથ ધરી છે.

