Gujarat

જામનગરની પૃથ્વીએ ગુજરાતનું નામ રોશન કર્યુ

જામનગરના વિભાપર ગામના સામાન્ય પટેલ પરિવારની દીકરીએ દેશમાં ગુજરાતનું નામ રોશન કર્યું છે. પૃથ્વી સંઘાણીએ દેશના પ્રથમ ખાનગી ઓર્બિટલ રોકેટ ‘વિક્રમ-1’ના સફળ લોન્ચિંગમાં મહત્વનું યોગદાન આપ્યું છે.પૃથ્વીએ અગ્રણી સ્પેસ સ્ટાર્ટઅપ ‘સ્કાયરૂટ એરોસ્પેસ’ની ગાઇડન્સ નેવિગેશન એન્ડ કંટ્રોલ (GNC) ટીમમાં ‘કંટ્રોલ સિસ્ટમ લીડ’ તરીકે ફરજ બજાવી હતી.

પૃથ્વીએ ‘મિશન આગમન’ હેઠળ વિક્રમ-1 લોન્ચ વ્હીકલ માટે ઓટોપાયલટ ડિઝાઇન અને ડેવલપ કર્યો હતો. શ્રીહરિકોટાથી થયેલા વિક્રમ-1ના આ ઐતિહાસિક અને સફળ પરીક્ષણમાં પૃથ્વીએ સમગ્ર ટીમ સાથે સક્રિય ભાગ ભજવીને આ મોટી સિદ્ધિ હાંસલ કરી છે.

પોસ્ટ ગ્રેજ્યુએશન (M.Tech): વર્ષ 2017થી 2019 દરમિયાન પુણેની પ્રતિષ્ઠિત ડિફેન્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ એડવાન્સ્ડ ટેક્નોલોજી (DIAT)માંથી એરોસ્પેસ એન્જિનિયરિંગ (ગાઇડેડ મિસાઇલ્સમાં વિશેષજ્ઞતા સાથે)માં માસ્ટર્સની ડિગ્રી મેળવી.

DRDOમાં અનુભવ: વર્ષ 2019થી 2021 દરમિયાન હૈદરાબાદ સ્થિત DRDL, DRDO ખાતે પ્રોજેક્ટ એન્જિનિયર તરીકે જોડાઈને મિસાઇલ્સની મિશન અને કંટ્રોલ ડિઝાઇન પર કામ કર્યું.

સ્કાયરૂટ એરોસ્પેસ: ત્યારબાદ વર્ષ 2021થી 2026 સુધી સ્કાયરૂટ એરોસ્પેસમાં GNC એન્જિનિયર અને ‘કંટ્રોલ લીડ’ તરીકે જોડાઈને વિક્રમ-1 રોકેટ માટે ઓટોપાયલટ સિસ્ટમ વિકસાવી.

હાલ જૂન 2026થી પૃથ્વી સંઘાણી એક એરોસ્પેસ ડિફેન્સ સ્ટાર્ટઅપ પ્રોજેક્ટ અંતર્ગત પોતાની સેવાઓ આપી રહ્યા છે. એક સામાન્ય પરિવારમાંથી આવીને અંતરિક્ષ વિજ્ઞાનના ક્ષેત્રમાં દેશનું પ્રતિનિધિત્વ કરનારી આ દીકરીની સફળતા અન્ય યુવાઓ માટે પ્રેરણારૂપ બની છે.