ગુજરાત રાજ્ય સંસ્કૃત બોર્ડ દ્વારા અનુદાનિત ‘સંસ્કૃત કક્ષ’ના લોકાર્પણ કાર્યક્રમનું આયોજન વિભાપરના સરસ્વતી શિશુ મંદિર ખાતે કરવામાં આવ્યું હતું. શિક્ષણ રાજ્યમંત્રી રિવાબા જાડેજાના અધ્યક્ષસ્થાને આ કક્ષને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો.

આ પ્રસંગે મંત્રી રિવાબા જાડેજાએ જણાવ્યું હતું કે, આજે સમગ્ર ગુજરાતમાં એકસાથે ૫૦૦ સ્થળોએ આવા સંસ્કૃત ખંડોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. આ પહેલ પ્રાચીન પ્રણાલી અને નવી શિક્ષણ નીતિના સમન્વય દ્વારા ‘વિકસિત ભારત’ના સ્વપ્નને સાકાર કરશે.
મંત્રીએ સંસ્કૃત ભાષાના મહત્વ પર ભાર મૂકતા કહ્યું કે, સંસ્કૃત વિશ્વની ૫૦ થી ૭૫ મુખ્ય ભાષાઓની જન્મદાત્રી છે, જ્યારે અન્ય ૧૦૦ જેટલી ભાષાઓએ તેનામાંથી પ્રેરણા મેળવી છે. તેમણે ઉમેર્યું કે, આજના ટેકનિકલ યુગના સંશોધનો આપણા વેદો અને ઉપનિષદોમાં વર્ષો પહેલા જ રજૂ કરાયા છે.

તેમણે જણાવ્યું કે, ભગવાન રામ અને કૃષ્ણના સમયની ગુરુકુળ શિક્ષણ પરંપરા પણ સંસ્કૃતથી છલકાતી હતી. મંત્રીએ ભારપૂર્વક કહ્યું કે, જે દેશ પોતાનો ઇતિહાસ ભૂલી જાય છે, તેનું અસ્તિત્વ સમય જતાં ભૂંસાઈ જાય છે. ભારતનો ઇતિહાસ, પ્રણાલિકાઓ, સંસ્કૃતિ અને સંસ્કારોને સંસ્કૃત ભાષાએ જ જોડી રાખ્યા છે.

મંત્રીએ મેકોલે દ્વારા લાદવામાં આવેલી જૂની શિક્ષણ પદ્ધતિને બદલીને, આપણી પ્રાચીન પરંપરાને અનુસરતી નવી શિક્ષણ નીતિના અમલને વડાપ્રધાનનો શ્રેય આપ્યો. આ સંસ્કૃત કક્ષનું નિર્માણ આ નવી નીતિના ભાગરૂપે જ કરાયું છે.

