Gujarat

ફટાકડાનો માલ મોકલવાના બહાને વડોદરાના 98,600 રૂપિયાની છેતરપિંડી

ફટાકડાનો માલ મોકલવાના બહાને વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં રહેતા ફટાકડાના વેપારી સાથે 98,600 રૂપિયાની છેતરપિંડી થઈ હતી. આ મામલે માંજલપુર પોલીસ સ્ટેશનમાં 3 આરોપીઓ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે. જેને પગલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

વડોદરાના તરસાલી ખાતે ધનિયાવી વિસ્તારમાં ફટાકડાનો વ્યવસાય કરતા અરવિંદ ખૈરે માંજલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદ પ્રમાણે તેમણે અન્ય વેપારીઓ પાસેથી મળેલા મોબાઇલ નંબર પર 14 ફેબ્રુઆરીના રોજ સંપર્ક કર્યો હતો. ફોન પર તેમની રોયલ પટેલ સાથે વાત થઈ હતી. રોયલ પટેલે રાજકોટમાં ફટાકડાનો વેપાર કરે છે, તેમ જણાવ્યું હતું.

રોયલ પટેલે ફટાકડાનો માલ તાત્કાલિક પહોંચાડી આપવાની ખાતરી આપી હતી અને 98,600 રૂપિયાનું બિલ વોટ્સએપ મારફતે મોકલ્યું હતું. બેંક ખાતાની વિગતો માંગતાં તેણે શનિવાર અને રવિવારે બેંક બંધ હોવાનું કહીને પોતાના માણસ રાકેશ પટેલ મારફતે રોકડ રકમમાં લેવાની વાત કરી હતી.

ત્યારબાદ રાકેશ પટેલે અરવિંદભાઈનો સંપર્ક કરી તેમના ઘરનું લોકેશન વોટ્સએપ પર મંગાવ્યું હતું. સાંજે 4 વાગ્યે બે અજાણ્યા વ્યક્તિઓ અરવિંદભાઈના ઘરે આવ્યા હતા. રાકેશ પટેલે જણાવ્યું હતું કે, રોયલ પટેલે મોકલ્યો છે. આ સમયે વિશ્વાસમાં આવી અરવિંદભાઈએ તેને 98,600 રૂપિયા રોકડા તેને આપી દીધા હતા.