Gujarat

અમદાવાદના બોપલ-ઘુમા વિસ્તારમાં મોડી રાત્રે દીપડો જાેવા મળતા ભયનો માહોલ છવાયો

અમદાવાદના પોશ અને વિકસતા ઘુમા વિસ્તારમાં દીપડો જાેવા મળ્યો છે. વસ્તીવાળા વિસ્તારમાં દીપડાની હાજરીના અહેવાલો મળતા જ સ્થાનિક રહેવાસીઓમાં ભારે ફફડાટ અને ડરનો માહોલ છવાઇ ગયો છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વન વિભાગ અને સ્થાનિક તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે.

ઘુમાની શરણદીપ સોસાયટીમાં રહેતા સ્થાનિક રહેવાસીઓના જણાવ્યા અનુસાર, વિસ્તારમાં અગાઉ પણ અવારનવાર શ્વાન કે અન્ય નાના પ્રાણીઓ અચાનક ગાયબ થઈ જવાની ઘટનાઓ બનતી હતી, પરંતુ તાજેતરમાં CCTV કેમેરામાં દીપડા જેવું વન્યજીવ સ્પષ્ટપણે ફરતું નજરે પડ્યું છે. આ દ્રશ્યો સામે આવતા જ સોસાયટીના રહીશોમાં ગભરાટ ફેલાયો છે. લોકોએ પોતાના બાળકોને ઘરની બહાર મોકલવાનું બંધ કરી દીધું છે અને રાત્રે બહાર નીકળવાનું ટાળી રહ્યા છે.

આ ઘટનાની જાણ થતાં જ વનવિભાગનો કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. વન વિભાગ દ્વારા ઘુમા અને આસપાસના તમામ રહેવાસીઓને સાવચેતી રાખવા માટે ખાસ સૂચના આપવામાં આવી છે તેમજ વનવિભાગના અધિકારીઓ હાલ સીસીટીવી ફૂટેજ તેમજ દીપડાના પગના નિશાન આધારે તે કઈ દિશામાં ગયો છે તેનું વિશ્લેષણ કરી રહ્યા છે. દીપડો આગળ જઈને કોઈ અન્ય રહેણાંક વિસ્તારમાં પ્રવેશે નહીં કે કોઈ નાગરિક પર હુમલો ન કરે તે માટે આજુબાજુના તમામ વિસ્તારોમાં વનવિભાગ દ્વારા સઘન શોધખોળ ઝુંબેશ અને પાંજરું મૂકવા સહિતની કામગીરી હાથ ધરવામાં આવી છે.