દેશભરમાં વાહન માલિકીની તબદીલી અને નો ઓબ્જેક્શન સર્ટિફિકેટ NOC મેળવવાની પ્રક્રિયાને વધુ પારદર્શક, સુરક્ષિત અને સરળ બનાવવાના હેતુથી ભારત સરકાર દ્વારા પરિવહન પોર્ટલ પર એક મહત્વપૂર્ણ સુધારો કરવામાં આવ્યો છે.
આ નવી વ્યવસ્થા અંતર્ગત હવે વાહનની માલિકી ફેરફાર અને અન્ય રાજ્યોમાં વાહન તબદીલ કરવાના કિસ્સામાં પરિવહન પોર્ટલ પર આધાર કાર્ડ લિંક કરવું ફરજિયાત કરવામાં આવ્યું છે. ગુજરાત સહિત દેશભરમાં આ ર્નિણયનો અમલ ગત ૧૫ જુલાઈ ૨૦૨૬થી કરી દેવામાં આવ્યો છે.
વાહન ધરાવતા તમામ નાગરિકોને વાહન રૅકોર્ડ અને આધાર કાર્ડના રૅકોર્ડમાં કોઈપણ પ્રકારની વિસંગતતા કે સમસ્યા સર્જાય નહીં તેવા હેતુથી આ બે સુધારા કરાયા છે. જેવા કે
• આ પ્રક્રિયા અંતર્ગત દરેક અરજદારે પોતાના આધાર કાર્ડની વિગતો પરિવહન પોર્ટલ પર દાખલ કરવાની રહેશે. જાે આધાર કાર્ડની વિગતો સંપૂર્ણ મેચ હશે તો જ વાહન માલિકી બદલવાની પ્રક્રિયા ઓનલાઇન માધ્યમથી પૂર્ણ થઈ શકશે.
• આધાર કાર્ડ અને પરિવહન પોર્ટલની વિગતોમાં કોઈ તફાવત જણાશે તો અરજદારે પોતાના ડ્રાઇવિંગ લાયસન્સની વિગતો દાખલ કર્યા બાદ જ આ પ્રક્રિયા આગળ વધશે.
અનધિકૃત વાહન ટ્રાન્સફર જેવા ગુનાઓ પર લાગશે રોક
આ ઉપરાંત જાે આરસી બુક અને ડ્રાઇવિંગ લાયસન્સની વિગતોમાં પણ કોઈ વિસંગતતા હોય તો તેવા કિસ્સામાં અરજદારે જરૂરી આધાર-પુરાવા સાથે સંબંધિત આર.ટી.ઓ. કચેરીએ રૂબરૂ જઈને જ પ્રક્રિયા પૂર્ણ કરાવવાની રહેશે. આ નવી ઓનલાઇન આધાર વેરિફિકેશન પ્રક્રિયાથી વાહનોની તબદીલીમાં ઝડપ અને સરળતા આવશે. આ સાથે જ વાહન માલિકોની સુરક્ષા સુનિશ્ચિત થશે અને ભવિષ્યમાં થતી છેતરપિંડી કે અનધિકૃત વાહન ટ્રાન્સફર જેવા ગુનાઓ અટકાવી શકાશે તેવો દાવો સરકાર તરફથી કરવામાં આવ્યો છે.

